ટ્રમ્પે પોતાની નવી સરકારમાં સૌપ્રથમ ભારતીય અમેરિકન જય ભટ્ટાચાર્યની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડાયરેક્ટર તરીકે નિમણુંક કરી હતી. ભટ્ટાચાર્ય કરતાં પણ પહેલા ભારતીય-અમેરિકન વિવેક રામાસ્વામીની વરણી ટેસ્લાના માલિક ઇલોન મસ્ક સાથે નવા બનાવાયેલા સરકારી કાર્યક્ષમતા વિભાગના નેતૃત્વ માટે કરાઈ હતી. જો કે, તે સ્વૈચ્છિક પદ છે, તેને અમેરિકાની સેનેટ તરફથી બહાલીની જરૂર નથી.
ટ્રમ્પે એવી જાહેરાત કરી હતી કે “હું જય ભટ્ટાચાર્ય, MD, PhDને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડાયરેક્ટર તરીકેની નિયુક્તિ અંગે રોમાંચિત છું. ડૉ. ભટ્ટાચાર્ય રાષ્ટ્રના તબીબી સંશોધનની આગેવાની લેશે અને મહત્વપૂર્ણ શોધો માટે રોબર્ટ એફ. કેનેડી જુનિયરની સાથે કામ કરશે તથા લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરશે, જીવન બચાવશે. તેઓ સાથે મળીને અમેરિકાને ફરીથી સ્વસ્થ બનાવવા સખત મહેનત કરશે.’’
ભટ્ટાચાર્ય સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હેલ્થ પોલિસીના પ્રોફેસર છે, નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમિક રીસર્ચમાં રીસર્ચ એસોસિએટ છે અને સ્ટેનફોર્ડ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક પોલિસી રીસર્ચ, સ્ટેનફોર્ડ ફ્રીમેન સ્પોગલી ઈન્સ્ટિટ્યૂટ અને હૂવર ઈન્સ્ટિટ્યૂટમાં સિનિયર ફેલો છે.
ભટ્ટાચાર્ય ઓક્ટોબર 2020માં સૂચિત લોકડાઉનના વિકલ્પ તરીકે ગ્રેટ બેરિંગ્ટન ડેક્લેરેશન સહ-લેખક છે. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમડી અને પીએચડી કર્યું છે.
ટ્રમ્પે રોબર્ટ એફ. કેનેડી જુનિયરની સાથે કામ કરવા માટે આરોગ્ય અને માનવ સેવાના નાયબ પ્રધાન તરીકે જીમ ઓ’નીલની પણ પસંદગી કરી હતી.