કોંગ્રેસ હાઇકમાન્ડે આખરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનુ સુકાન ઓબીસી નેતા જગદીશ ઠાકોરને સોપ્યું છે. આ કોંગ્રેસે શુક્રવારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રેસિડન્ટ સોનિયા ગાંધીએ જગદીશ ઠાકોરની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ તરીકે વરણી કરી છે.
અખિલ ભારતીય કોંગ્રેસ કાર્યકારી સમિતિના મહામંત્રી કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે પક્ષ ગુજરાતના કોંગ્રેસના વિદાય લઈ રહેલા અધ્યક્ષ અમિત ચાવડાના યોગદાનની પ્રશંસા કરે છે. પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ તરીકે દિપક બાબરિયાના નામની ચર્ચા બાદ વિરોધનો વંટોળ ઉઠતા હાઇકમાન્ડે નિર્ણય ફેરવવો પડયો હતો. કોંગ્રેસ 3 ડિસેમ્બરે સાંજે વિધાનસભા હોલમાં વિધાનસભા વિપક્ષાના નેતા અને પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર રીતે ઘોષણા કરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે કોની નિયુક્તિ કરવી એ મુદ્દે ઘણાં લાંબા સમયથી કવાયત હાથ ધરવામાં હતી. સૌ પ્રથમ હાર્દિક પટેલના નામની ચર્ચા હતી જેનો ખુદ સિનિયર ધારાસભ્યોએ જ વિરોધ કર્યો હતો જેથી હાઇમાન્ડે આ વાત પર પૂર્ણવિરામ મુકી દીધુ હતું.
આ પછી અર્જૂન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલના નામની ચર્ચાએ જોર પકડયુ હતું. આખરે ખુદ શક્તિસિંહ ગોહિલે જ રેસમાંથી હટી જવાનુ નક્કી કર્યુ હતું. ભરતસિંહ સોલંકીએ પણ દાવેદારી નોંધાવી હતી પણ હાઇકમાન્ડે સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ નામો બાદ જગદીશ ઠાકોરનુ નામ ઉમેરાયુ હતું. આખરે દિપક બાબરિયા નામ પર મંજૂરીની મહોર વાગે તેમ હતી.
જોકે, બાબરિયાના નામથી વિવાદ વકરે તેવી ધારણ થાય તે પહેલાં જ દિલ્હીમાં આજે દિવસભર જ્ઞાાતિગત સમીકરણ માંડવા મંથન ચાલ્યુ હતું. આખરે હાઇકમાન્ડે ઓબીસી નેતા જગદીશ ઠાકોરના નામ પર મંજૂરીની મહોર મારી હતી. જયારે સુખરામ રાઠવાને વિધાનસભા વિપક્ષના નેતાપદે નિયુક્તિ કરવા નિર્ણય લેવાયો હતો.