ભાજપના વડપણ હેઠળના સત્તાધારી નેશનલ ડેમોક્રેટિવ એલાયન્સ (એનડીએ)એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખડના નામની જાહેરાત કરી છે. ધનખડ સમાજવાદી પૂર્વભૂમિકા ધરાવતા રાજસ્થાનના જાટ નેતા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 6 ઓગસ્ટે યોજાશે અને તેનું પરિણામ 11 ઓગસ્ટે આવશે.
આ અંગેની જાહેરાત કરતાં ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ ધનખડને કિસાનપુત્ર અને જનતાના ગવર્નર ગણાવ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધનખડનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે, કારણ કે ભાજપ પાસે લોકસભા અને રાજ્યસભાના સભ્યોની બેનલી ઇલેક્ટોરલ કોલેજમાં બહુમતી છે. સંસદના બંને ગૃહમાં હાલમાં સભ્યોની કુલ સંખ્યા 780 છે, જેમાંથી એકલા ભાજપના સભ્યોની સંખ્યા 394 છે, જે 390ની બહુમતી કરતાં પણ વધુ છે.
નડ્ડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કેટલાંક નામોની વિચારણા બાદ 71 વર્ષના ધનખડની પસંદગી કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જગદીપ ધનખડજી આપણા બંધારણનું ઉત્કૃષ્ટ જ્ઞાન ધરાવે છે. તેઓ ધારાકીય બાબતોના જાણકાર છે.
નામની જાહેરાત બાદ ધનખડે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મને ઉમેદવાર બનાવવા મોદીજી તમારો આભાર જુલાઈ 2019માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યાં બાદ ધનખડ અને રાજ્યની મમતા બેનરજી સરકાર ઘણા વિવાદ ઊભા થયા હતા.
કોણ છે જગદીપ ધનખડ
ધનખડ રાજસ્થાનના જાટ નેતા છે. જાટ નેતાને પસંદગીથી ભાજપને તેના જાટ સમુદાય સાથેના સંબંધોમાં સુધારો કરવામાં મદદ મળી શકે છે. હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં જાટ સમુદાય વગદાર ગણાય છે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે ધનખડ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી જાહેર જીવનમાં છે.
જગદીપ ધનખડ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ ધારાકીય બાબતોના જાણકાર છે અને રાજ્યસભાના અસાધારણ ચેરમેન પુરવાર થશે. તેઓ દ્રષ્ટાંતરૂપ કાનૂની, ધારાકીય કારકિર્દી ધરાવે છે અને તેમણે ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને વંચિતો માટે હંમેશા કામ કર્યું છે. મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કિસાનપુત્ર ધનખડજી તેમના વિનમ્રતા માટે જાણીતા છે. તેઓ બંધારણનું ઉત્કષ્ટ જ્ઞાન ધરાવે છે. મને વિશ્વાસ છે કે તેઓ રાજ્યસભાના અસાધારણ ચેરમેન પુરવાર થશે અને રાષ્ટ્રીય પ્રગતિને મજબૂત બનાવવાના હેતુ સાથે ગૃહની કાર્યવાહીનું માર્ગદર્શન કરશે.
ભાજપે જગદીપ ધનખડને ખેડૂતપત્ર ગણાવ્યા છે, પરંતુ તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સામે શિંગડા ભરાવવા માટે વધુ જાણીતા છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા બાદ તેમણે મમતા સરકારની ટીકા કરવાની એકપણ તક છોડી ન હતી. ટીએમસીએ તેમને હોદ્દા પરથી દૂર કરવાની પણ માગણી કરી હતી. 71 વર્ષના ધનખડ જાણીતા વકીલ છે. રાજસ્થાનમા જાટ સમુદાયને ઓબીસીનો દરજ્જો અપાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ધનખડ 1989 અને 1990માં વી પી સિંહ અને ચંદ્રશેખર સરકાર વખતે પ્રધાન હતા. તેઓ 1989થી 1991 સુધી રાજસ્થાનમાંથી લોકસભાના સાંસદ હતા.