ભારતીય ક્રિકેટ બોર્ડે દેશના ખેલાડીઓ માટેના ઓક્ટોબર – 2022 થી સપ્ટેમ્બર 2023 માટેના વાર્ષિક કોન્ટ્રાક્ટ્સની જાહેરાત રવિવારે (26 માર્ચ) કરી હતી, જેમાં સ્પિનર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેમજ પેસ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બઢતી આપી હતી, તો નબળા ફોર્મના કારણે બહુ વિવાદાસ્પદ બનેલા બેટર કે. એલ. રાહુલને નીચલા ગ્રેડમાં ઉતારી દેવાયો હતો. ખેલાડીઓને ચાર ગ્રેડમાં કોન્ટ્રાક્ટ અપાય છે, જેમાં સૌથી ઉપરના – એ પ્લસ ગ્રેડમાં જાડેજાની બઢતી સાથે કુલ ચાર ખેલાડીઓ – સુકાની રોહિત શર્મા, ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તથા જાડેજાનો સમાવેશ થાય છે.
એ ગ્રેડમાં બઢતી સાથે પહોંચેલા હાર્દિક પંડ્યા સાથે રવિચન્દ્રન અશ્વિન, મોહમદ શમી, ઋષભ પંત, અક્ષર પટેલ સહિત પાંચ ખેલાડીઓ છે, તો બી ગ્રેડમાં છ ખેલાડીઓ તથા સૌથી નીચેના – સી ગ્રેડમાં 11 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.
ભુવનેશ્વર કુમાર, હનુમાં વિહારી, રિદ્ધિમાન સાહા, દીપક ચાહર અને મયંક અગ્રવાલની કોન્ટ્રાક્ટ હેઠળના ખેલાડીઓની યાદીમાંથી બાદબાકી કરી દેવાઈ છે.
બી ગ્રેડમાં ચેતેશ્વર પુજારા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલનો સમાવેશ કરાયો છે, તો ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને કે.એસ. ભરત Cસી ગ્રેડમાં રખાયા છે.
A+ ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક રૂ.7 કરોડ, A ગ્રેડના ખેલાડીઓને રૂ.5 કરોડ, B ગ્રેડના ખેલાડીઓને રૂ.3 કરોડ અને C ગ્રેડના ખેલાડીઓને રૂ.1 કરોડ મળે છે.
ઈશાન કિશન, દીપક હુડા, કુલદીપ યાદવ, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને કે. એસ. ભરતને અગાઉ કોન્ટ્રાક્ટમાં સામેલ નહોતા કરાયા, તેઓને આ વર્ષે C ગ્રેડનો કોન્ટ્રાક્ટ અપાયો છે.