ભારતના નામાંકિત સ્પિનર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ નાગપુર ટેસ્ટમાં તેની આંગળીમાં ઈજા પછી પોતે બોલિંગ કરે છે તે હાથની આંગળીમાં ફિલ્ડ અંપાયરને જાણ કર્યા વિના કે તેમની મંજુરી લીધા વિના ક્રીમ લગાવવા બદલ 25 ટકા મેચ ફીનો દંડ અને ડીમેરિટ પોઈન્ટની સજા મેચ રેફરીએ ફરમાવી હતી. આ મામલો વિવાદાસ્પદ બની શકે તેમ હતો. જાડેજા બીજા ફિલ્ડર પાસેથી કઈંક લઈ પોતે બોલિંગ કરે છે તે હાથની આંગળીમાં લગાવતો કેમેરામાં ઝડપાયો હતો અને મેચના બીજા દિવસે એવો વિડિયો વાઈરલ થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આ મુદ્દે તેની ટીકા કરી મામલો ચિટિંગનો હોવાનું પણ કહી દીધું હતું.
પણ ભારતીય ક્રિકેટ બોર્ડે એવી સ્પષ્ટતા કરી હતી કે જાડેજાને આંગળીમાં વાગ્યું હોવાથી તેના ઈલાજ માટે તેણે ક્રીમ લગાવ્યું હતું, એમાં બોલ ટેમ્પરિંગનો કોઈ કેસ નથી. આ વાતની જાણ થયા પછી ફિલ્ડ ઉપરના બન્ને અમ્પાયર, ટીવી – થર્ડ અમ્પાયરે પણ મેચ રેફરીને તેની ફરિયાદ કરી હતી. જો કે, જાડેજાએ તુરત જ એ પોતાની ભૂલ હોવાનું કબૂલી લેતાં શિષ્તભંગની સુનાવણીની પણ જરૂર પડી નહોતી અને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે એ બદલ તેને 25 ટકા મેચ ફી દંડ અને ડીમેરિટ પોઈન્ટની સજા કરી હતી.