રૂા.200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ સોમવારે પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ઓફિસે હાજર થઈ ન હતી. આ કેસ કૌભાંગી સુકેશ ચંદ્રશેખર સંબંધિત છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
જેક્લિને પોતાની ગેરહાજરી માટે પ્રોફેશનલ કામગીરીનું કારણ આપ્યું હતું. તપાસ સંસ્થા હવે નવેસરથી સમન્સ આપે તેવી શક્યતા છે. જેક્લિને આની સાથે કુલ ત્રણ વખત ઇડીનું સમન્સ ટાળ્યું છે. 36 ફર્નાન્ડિઝ અગાઉ ઓગસ્ટમાં તપાસ એજન્સી સમક્ષ હાજર થઈ હતી અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સી આ કેસના મુખ્ય આરોપીઓ ચંદ્રશેખર અને તેમની એક્ટર પત્ની લીના મારિયા પોલની હાજરીમાં ફર્નાન્ડિઝની પૂછપરછ કરવા માગે છે. આ કેસમાં એક્ટર અને ડાન્સર નોરા ફતેહીએ ગુરુવારે ઇડીમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. નોરાના પ્રતિનિધિનિએ જણાવ્યું હતું કે તે આ કેસમાં પીડિત છે અને એક સાક્ષી તરીકે તપાસમાં સહકાર આપે છે.
ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહના પત્ની અદિતી સિંહ સહિતના હાઇ પ્રોફાઇલ વ્યક્તિઓની છેતરપિંડીના આરોપ હેઠળ દિલ્હી પોલીસે ચંદ્રશેખર અને પોલની તાજેતરમાં ધરપકડ કરી હતી અને આ દંપત્તિ હાલમાં જેલમાં છે. ઓગસ્ટમાં ઇડીએ ચંદ્રશેખરના ચેન્નાઇમાં સ્થિતિ બંગલોમાં દરોડા પાડ્યા હતા અને રૂ.82.5 લાખની રોકડ અને એક ડઝન લક્ઝરીયલ કાર જપ્ત કરી હતી.