સુકેશ ચંદ્રશેખર સંબંધિત રૂ.200 કરોડના ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડીએ)એ બોલિવૂડ અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડિઝને આરોપી અને નોરા ફતેહીને સાક્ષી બનાવી છે. આ બંને અભિનેત્રી સહિતની સેલિબ્રિટીએ સુકેશ પાસેથી મોઘીદાટ ગિફ્ટ મેળવી હોવાનું માનવામાં આવે છે.
આ કૌભાંડ આચરનારા સુકેશ ચક્રવર્તી પાસેથી મોંઘી ગિફ્ટ્સ લીધી હોવાના કારણે જેક્વેલિન ફર્નાન્ડિઝને આરોપી બનાવવામાં આવી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમની તપાસ પૂર્વગ્રહયુક્ત હોવાનો દાવો જેક્વેલિને કર્યો છે. તેણે જણાવ્યું હતું કે, નોરા સહિત અન્ય સેલિબ્રિટીઝે ગિફ્ટ્સ લીધી હતી. આમ છતાં, નોરાને સાક્ષી બનાવી દેવાઈ છે અને તેને આરોપીના પાંજરામાં ઊભી કરી દેવાઈ છે.
તપાસ એજન્સીની ટીમે જપ્ત કરેલી સંપત્તિમાં જેક્વેલિને બેંકમાં મૂકેલી ફિક્સ્ડ ડિપોઝિટ્સનો પણ સમાવેશ થાય છે. આ અંગે જેક્વેલિને સ્પષ્ટતા કરી હતી કે, સુકેશ સાથે પરિચય થયો તે પહેલાં ફિક્સ્ડ ડિપોઝિટ બેંકમાં મૂકી હતી. પોતાની કાયદેસરની આવકનું ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરાયું હતું. તપાસ એજન્સીએ આપેલા દરેક સમન્સમાં જવાબ આપવા હાજર થઈ હતી અને સહકાર આપ્યો હતો. આ કેસમાં તેની પોતાની સાથે છેતરપિંડી થઈ છે. આમ છતાં, પીડિત ગણવાના બદલે આરોપી બનાવી દેવાયાનો દાવો તેણે કર્યો હતો. આ મામલે જેક્વેલિને સ્પષ્ટતા કરી છે કે, તેની સાથે ઠગાઈ કરીને પરાણે ગિફ્ટ્સ અપાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગિફ્ટ્સ મેળવનારા અન્ય લોકોને સાક્ષી બનાવાયા છે અને પોતાને આરોપી દર્શાવાઈ છે તે બાબતથી જેક્વેલિન નારાજ છે. રૂ.7.12 કરોડની સંપત્તિ જપ્ત કરવાના ઈડીના ઓર્ડરને તેણે પડકાર્યો છે અને પક્ષપાતી કાર્યવાહી થતી હોવાનો દાવો કર્યો છે.