સાઉથ આફ્રિકામાંના રાજકીય વાતાવરણમાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જેકબ ઝુમા (હુલામણું નામ-ઇસીઝુલુ)નું નામ ગુંજી રહ્યું છે.
સાઉથ આફ્રિકાની એક કોર્ટે તાજેતરમાં એવો ચૂકાદો આપ્યો હતો કે, એક ગુનામાં અગાઉ દોષિત ઠરેલા ઝુમા તેમના નવા સંગઠન-ઉમખોન્ટો વીઝવી (એમકે)ના મુખ્ય ઉમેદવાર તરીકે 29 મેના રોજ યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે.
દેશના 81 વર્ષીય રાજકારણી માટે આ એક અનોખી જીત છે, આ ચૂકાદો તેમની જૂની પાર્ટી ANC માટે મોટો આંચકા સમાન છે, જેનું નેતૃત્વ અત્યારે પ્રેસિડેન્ટ સિરિલ રામાફોસા કરી રહ્યા છે અને તે સાઉથ આફ્રિકાના સુધારાના પ્રયાસોને ફટકા સમાન છે. ઝુમાએ તેમના નવ વર્ષના કાર્યકાળમાં દેશને નુકસાન કર્યું હતું અને તેમને મોટાપાયે ભ્રષ્ટાચાર અને આર્થિક પતન માટે જવાબદાર માનવામાં આવે છે.
સાઉથ આફ્રિકાનું બંધારણ દંડના વિકલ્પ વગર, 12 મહિનાથી વધુની જેલની સજા પામેલા વ્યક્તિઓને જાહેર હોદ્દો ભોગવવાથી પ્રતિબંધિત કરે છે. ઝુમાને 2021માં કોર્ટની અવમાનના બદલ 15 મહિનાની જેલની સજા ફટકારી હોવાથી ઇલેકટોરલ કમિશન ઓફ સાઉથ આફ્રિકાએ અગાઉ ઝુમાને સંસદની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રેસિડેન્ટ પદ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં જ્યુડિશિયલ તપાસમાં જુબાની આપવા માટે કોર્ટના આદેશનો અસ્વીકારવા બદલ ઝુમાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
ઇલેકટોરલ કોર્ટે, કોઇપણ કારણ આપ્યા વગર હવે કમિશનના નિર્ણયને રદ્ કર્યો હતો.
ઝુમાએ આ અંગે એવો અગાઉ દાવો કર્યો હતો કે, કમિશને તેમના પર જે પ્રતિબંધ મૂક્યો હતો એ રામાફોસા, વિદેશી ગુપ્તચર એજન્સીઓ, અન્ય બિઝનેસ હિતો ધરાવતા શ્વેત લોકો દ્વારા રચાયેલા ષડયંત્રનો એક ભાગ હતો, જેથી તેમની કથિત રીતે ગરીબ તરફી કામગીરીને આગળ વધારવામાં સત્તાથી વંચિત રાખવામાં આવે. તેઓ કાયદાની અનેક છટકબારીઓમાંથી બહાર આવી ગયા હતા.
ઝુમાએ એમકે પાર્ટીની જાહેરાત કરતા પહેલા ગત ઓક્ટોબરમાં સોશિયલ રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાયું હતું કે, તેઓ ક્વાઝુલુ-નાતાલમાં રામાફોસા કરતાં 10 ગણા વધુ લોકપ્રિય હતા. જાન્યુઆરીમાં ફોલો-અપ સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે, તે પ્રાંતના 63 ટકા ઉત્તરદાતાઓ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટની તરફેણમાં હતા.

LEAVE A REPLY