યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)માં ભારતના 37 વર્ષીય ડ્રાઇવર અને વિવિધ દેશોના તેમના નવ સાથીદારોને રેફલ ડ્રોમાં આશરે 20 મિલિયન દિરહામ (આશરે રૂ.40 કરોડ)નો જેકપોટ લાગ્યો છે, તેમ મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

અહેવાલ અનુસાર કેરળના રણજિત સોમરાજન અબુધાબીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તે છેલ્લા ત્રણ વર્ષથી ટીકિટ ખરીદતો હતો. તે મસ્જિદની સામે ઉભો હતો ત્યારે તેને જેકપોટ જીતવાના સમાચાર મળ્યા હતાં. સોમરાજને જણાવ્યું હતું કે મેં કયારેય પણ વિચાર્યુ ન હતું કે હું જેકપોટ જીતી જઇશ. હું હંમેશા વિચારતો હતો કે મને બીજુ અથવા ત્રીજુ ઇનામ મળે. જો કે આ વખતે બીજુ ઇનામ ૩૦ લાખ દિરહામ અને ત્રીજુ ઇનામ ૧૦ લાખ દિરહમનું હતું.

સોમરાજને વધુમાં જણાવ્યું હતું કે તે ૨૦૦૮થી યુએઇમાં છે. સોમરાજન જેકપોટની આ રકમ અન્ય ૯ સાથીઓ સાથે શેર કરશે. સોમરાજને જણાવ્યું હતું કે અમે ૧૦ લોકો સાથે રહીએ છીએ. અન્ય સાથીઓ ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ જેવા અલગ અલગ દેશોમાંથી આવેલા છે. તેઓ હોટેલના પાર્કિંગમાં કામ કરે છે. અમે જેકપોટની ટિકિટ બાય ટુ ગેટ વન ફ્રી ઓફર હેઠળ ખરીદી હતી. દરેકે ૧૦૦ દિરહામનો ખર્ચ કર્યો હતો. આ ટિકિટ ૨૯ જૂને મારા નામે ખરીદવામાં આવી હતી. હું મારા સાથીઓને નસીબ અજમાવવાનું ચાલુ રાખવા કહેતો હતો. મને ખાતરી હતી કે એક દિવસ મારુ નસીબ ચમકશે.