છેલ્લા બે માસથી રહસ્યમય રીતે ગૂમ થયેલા ચીનના બિલિયોનેર ઉદ્યોગપતિ જેક મા બુધવારે અચાનક એક વિડિયો ક્લીપમાં દેખાયા હતા. ચીનના સરકારી વર્તમાનપત્ર ગ્લોબલ ટાઇમ્સે 20 જાન્યુઆરીએ જારી કરેલા વિડિયો મુજબ જેક માએ વિડિયો કોન્ફરન્સ દ્વારા 100 ગ્રામીણ શિક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો. જેક માએ તેમને કહ્યું હતું કે કોરોના વાઇરસ ખતમ થઇ જાય ત્યારબાદ આપણે રૂબરૂ મળીશું.
આ વિડિયોમાં જેક મા એવું કહેતા દેખાય છે કે તેઓ ફિલાનથ્રોપી માટે કેવી રીતે વધુ સમય પસાર કરશે. જેક માના એન્ટ ગ્રૂપે એક ઇમેઇલ મારફત આ વિડિયોન સાચો હોવાની વાતને પુષ્ટી આપી હતી. આ વિડિયોને પગલે હોંગકોંગમાં અલિબાબાના શેરના ભાવમાં પણ ઇન્ટ્રા-ડે ચાર ટકાનો ઉછાળો આવ્યો હતો.
જેક મા ગૂમ થવા વિશે આખી દુનિયાએ કરેલા આડકતરા દબાણના પગલે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે જેક માનો આ વિડિયો રિલિઝ કર્યો હોવાનું માનવામાં આવે છે.
ગ્લોબલ ટાઇમ્સે જેક માને અંગ્રેજી ભાષાના શિક્ષક મટીને વેપારી બનેલાં દર્શાવ્યા હતા. જો કે જેક માના પરિચયમાં ગ્લોબલ ટાઇમ્સે જેક માની જગપ્રસિદ્ધ કંપની અલીબાબાનો ઉલ્લેખ કર્યો નહોતો. ચીનમાં સંખ્યાબંધ અફવાઓ ફરતી થઇ હતી કે જેક માની કંપની અલીબાબાનું સંચાલન ચીનની સરકાર પોતાના હાથમાં લઇ લેશે.
ગયા વર્ષના ઓક્ટોબરમાં જેક માએ કોઇ મુદ્દે ચીનની સરકારની ટીકા કરી હતી. ત્યારબાદ એ અચાનક ગૂમ થઇ ગયા હતા. એ પોતાના ટેલેન્ટ શો ‘આફ્રિકાના બિઝનેસ હીરો’ ટીવી શોમાં ન દેખાયા ત્યારે તેમની ગેરહાજરી અંગે જાતજાતની અફવા વહેતી થઇ હતી. એ ટીવી શોમાં જેક માને બદલે અલીબાબાના એક અધિકારી સંચાલક તરીકે રજૂ થયા હતા.