ટેલ્કની હાનિકારક અસરોના પ્રથમ નોંધાયેલા કેસો પછી લગભગ એક સદી પછી, જૉન્સન એન્ડ જૉન્સન આગામી વર્ષથી વૈશ્વિક સ્તરે ટેલ્ક આધારિત બેબી પાઉડરનું વેચાણ બંધ કરનાર છે. ઉત્પાદનને સંપૂર્ણપણે પાછું ખેંચી લેવાનો તેમનો નિર્ણય બે વર્ષ કરતાં વધુ સમય પછી આવ્યો છે. કંપનીએ યુએસ અને કેનેડામાં ગ્રાહકોના હજારો દાવાઓના કારણે ટેલ્ક-આધારિત જ્હોન્સન બેબી પાઉડરનું વેચાણ બંધ કર્યું હતું.
તે સમયે, કંપનીએ દાવો કર્યો હતો કે તે પાઉડરની સલામતી વિશે “ખોટી માહિતી” ફેલાવાતા માંગમાં ઘટાડો થવાને કારણે નોર્થ અમેરિકામાં વેચાણ બંધ કરી રહી છે.
જૉન્સન એન્ડ જૉન્સને એક નિવેદનમાં કહ્યું હતું કે “વિશ્વવ્યાપી પોર્ટફોલિયો આકારણીના ભાગ રૂપે, અમે તમામ કોર્નસ્ટાર્ચ આધારિત બેબી પાઉડર પોર્ટફોલિયોમાં સંક્રમણ કરવાનો વ્યવસાયિક નિર્ણય લીધો છે.”
દાવો કરાયો છે કે ટેલ્કમાંના એસ્બેસ્ટોસના કારણે કેન્સર થાય છે. ટેલ્ક મેગ્નેશિયમ, સિલિકોન, ઓક્સિજન અને હાઇડ્રોજનથી બનેલું છે. જે ભેજને શોષવાની, કેકિંગ અટકાવવાની અને અનુભૂતિ સુધારવાની ક્ષમતાને કારણે તેનો સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગ કરાય છે.
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એસ્બેસ્ટોસ સાથે ટેલ્કના સંભવિત દૂષણ પર સંશોધન કરી રહી છે. જો કે જૉન્સન એન્ડ જૉન્સને આરોપોને નકારી કાઢી કહ્યું છે કે ‘’દાયકાઓના વૈજ્ઞાનિક પરીક્ષણો અને નિયમનકારી મંજૂરીઓને પગલે તેમનું ટેલ્ક સુરક્ષિત અને એસ્બેસ્ટોસ મુક્ત હોવાનું દર્શાવ્યું છે. અમારૂં કોસ્મેટિક ટેલ્ક સલામત છે. તબીબી નિષ્ણાતો પુષ્ટિ કરે છે કે ટેલ્ક-આધારિત જૉન્સન એન્ડ જૉન્સન બેબી પાઉડર સલામત છે, તેમાં એસ્બેસ્ટોસ નથી અને કેન્સરનું કારણ નથી.”