પોતાના પિતાએ 2024માં પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડવાની જાહેરાત કરી તેના ટૂંક સમયમાં જ ઇવાન્કા ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે, તે તેમના કેમ્પેઇનમાં જોડાશે નહીં.
આ અંગે ઇવાન્કાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું અત્યારે, મારા નાના બાળકો અને અંગત જીવનને પ્રાથમિકતા આપવાનું પસંદ કરી રહી છું, જેનું અમે એક પરિવારની જેમ સર્જન કરી રહ્યા છીએ. આગળ જતાં હું રાજકીય ક્ષેત્રની બહાર હું હંમેશા મારા પિતાને પ્રેમ અને સમર્થન આપીશ.”
ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને તેમનાં પતિ જેરેડ કુશનરે તેમની અગાઉના બંને કેમ્પેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને વ્હાઇટ હાઉસના સલાહકારો તરીકે કામ કર્યું હતું.
ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ટ્રમ્પે તાજેતરમાં પોતાના માર-એ-લાગો રીસોર્ટ ખાતે રીપબ્લિકન પાર્ટીના નોમિનેશન માટે તેમની ઉમેદવારી જાહેર કરી, તેમના ઘણા ઉમેદવારોની થોડા દિવસ પહેલા યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં હાર થઇ હતી અને તે પછી તેમણે આ ચૂંટણીમાં ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી.
2020ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર પછી, ઇવાન્કા ટ્રમ્પ અને કુશનર ફ્લોરિડામાં સ્થાયી થયા હતા અને સ્પેનિશ ગાયક જુલિયો ઇગ્લેસિયાસ પાસેથી મિયામીમાં 32 મિલિયન ડોલરનું ઘર ખરીદ્યું હતું.
6 જાન્યુઆરી, 2021ના રોજ બળવાની ઘટનાની તપાસ કરી રહેલી હાઉસ કમિટી સમક્ષ ઇવાન્કાએ આ વર્ષની શરૂઆતમાં જુબાની આપી હતી. તેનાં પિતાના વારંવારના દાવાઓથી વિપરીત, તેણે સ્વીકાર્યું હતું કે, 2020ની ચૂંટણીમાં મતદારોની છેતરપિંડીનો કોઈ પુરાવો નથી અને તેના પિતા હારી ગયા હતા.
ઇવાન્કાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, “અમેરિકાના લોકોની સેવા કરવાનું સન્માન મેળવવા બદલ હું આભારી છું અને મને અમારા એડમિનિસ્ટ્રેશનની સિદ્ધિઓ પર હંમેશા ગર્વ રહેશે.”