અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રવાસેથી અમેરિકા પરત જઈને કહ્યું કે, ભારત સાથેના અમેરિકાના સંબંધો ખૂબ જ મહત્વના છે અને એશિયાના દેશના તેમના આ પહેલા પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં ઘણી પ્રગતિ થઈ છે. ટ્રમ્પે બુધવારના રોજ ભારતથી પરત ફર્યા બાદ પત્રકાર પરિષદમાં કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સજ્જન વ્યક્તિ છે અને તેઓ એક મહાન નેતા પણ છે. તેમજ ભારત દેશ એક અદ્ભુત દેશ છે.’
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારત પ્રવાસ પર આવ્યા હતા. આ પ્રવાસમાં તેમની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ, દીકરી ઈવાન્કા ટ્રમ્પ, જમાઈ જેરેડ કુશ્નર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ’બ્રાયન સહિત તેમના પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ આવ્યા હતા.
ટ્રમ્પે કહ્યું કે, ‘ભારતમાં અમારી સાથે ખૂબ સારો વ્યવહાર કરવામાં આવ્યો અને અમને બધાને ભારતમાં ખૂબ મજા આવી હતી. સંબંધોના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ છે – ભારતની સાથે અમારો સંબંધ હવે વધારે સારો અને મહત્વનો બન્યો છે.’ પત્રકાર પરિષદમાં એક પ્રશ્નનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે ‘અમે ભારતની સાથે ઘણો વેપાર કરવા જઈ રહ્યા છીએ, ભારત અમેરિકાને અબજો ડોલર મોકલી રહ્યા છે.’
ભારતથી પરત ફર્યા બાદ ઈવાન્કાએ પણ ભારતની ઉષ્માભરી મહેમાનગતી માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે – ‘અમે તમારા સુંદર દેશમાં આવ્યા, અમેરિકા અને ભારતની તાકાત તેમજ તેની એકતાનો ઉત્સવ મનાવ્યો. અમારા પ્રવાસ દરમિયાન અમે માનવીય રચનાત્મકતાની સ્મારકીય સિદ્ધિઓ જોઈ.’