Supreme court

ભારતમાં સંપત્તિની પુનઃવહેંચણીની રાજકીય ચર્ચા ચાલુ છે ત્યારે સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે બંધારણનો હેતુ સામાજિક પરિવર્તનની ભાવના લાવવાનો છે તથા વ્યક્તિની ખાનગી મિલકતને સમુદાયના ભૌતિક સંસાધનો તરીકે ગણી શકાય નહીં અને સાર્વજનિક ભલાઇ માટે રાજ્ય સત્તાવાળાઓ તેનો કબજો ન લઈ શકે તેવું કહેવું ખતરનાક હશે.

ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની ખંડપીઠે આ અવલોકનો કર્યાં હતા. ખાનગી માલિકીની સંપત્તિને સમાજના ભૌતિક સંસાધનો ગણી શકાય કે નહીં તે મુદ્દાની ચકાસણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે આ અવલોકન કર્યા હતાં. આ મામલામાં મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશન (POA) સહિતના પક્ષકારોના વકીલે ઉગ્ર રજૂઆતો કરી હતી કે બંધારણની કલમ 39 (b) અને 31 Cની બંધારણીય યોજનાઓની આડમાં ખાનગી મિલકતોને રાજ્ય સત્તાવાળાઓ કબજે કરી શકે નહીં.

ખંડપીઠે જણાવ્યું હતું કે સમુદાયના ભૌતિક સંસાધનોનો અર્થ માત્ર જાહેર સંસાધનો છે અને અમારી પાસે કોઈ વ્યક્તિની ખાનગી મિલકતમાં તેનું મૂળ નથી એવું સૂચન કરવું થોડું આત્યંતિક હોઈ શકે છે. હું તમને કહીશ કે શા માટે આવો દૃષ્ટિકોણ લેવો જોખમી હશે. ખાણો અને ખાનગી જંગલો જેવી વસ્તુઓની વિચારણા કરો. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે કલમ 39 (b) હેઠળ ખાનગી જંગલો પર સરકારની નીતિને લાગું નહીં પડે, તેથી તેનાથી દૂર રહો. આ કારણે તે ખૂબ જ ખતરનાક પ્રસ્તાવ હોઈ શકે છે.

1950ના દાયકા બંધારણ બનાવવામાં આવ્યું ત્યારેની સામાજિક અને અન્ય પ્રચલિત પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા ખંડપીઠે કહ્યું હતું કે બંધારણનો હેતુ સામાજિક પરિવર્તન લાવવાનો હતો અને અમે એમ ન કહી શકીએ કે એકવાર મિલકત ખાનગી થઈ ગઇ તે પછી કલમ 39 (b)નો કોઈ ઉપયોગ થતો નથી. કોર્ટે સવાલ કર્યો હતો કે સમાજમાં કલ્યાણકારી પગલાં અને સંપત્તિની પુનઃવહેંચણીની આવશ્યકતા હોવા છતાં ખાનગી સંપત્તિ પર કલમ 39 (બી) લાગુ ન પડે તેવું કહી શકાય. CJIએ ‘જમીનદારી પ્રથા’ની નાબૂદી અને મિલકતના સંપૂર્ણ મૂડીવાદી ખ્યાલનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે મિલકતના એકાધિકારની ભાવનાને આભારી છે.

 

LEAVE A REPLY