પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નવી દિલ્હીઃ કોરોના મહામારીના દરમિયાન ભારત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરને સૌથી વધુ ફાયદો થયો છે. આ સંકટકાળમાં પણ ભારતીય કંપનીઓ વિદેશી મૂડીરોકાણને આકર્ષવામાં સફળ થઇ છે.

નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે તાજેતરમાં જણાવ્યું હતું કે છેલ્લાં છ મહિના દરમિયાન દેશની ટેકનોલોજી કંપનીઓમાં 38 બિલિયન ડોલરનું મૂડીરોકાણ આવ્યુ છે. ત્રણ દિવસીય ટીઆઇઇ ગ્લોબલ સમિટ (ટીજીએસ)માં કાંતે જણાવ્યુ કે, ભારતીય સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમમાં 55,000થી વધારે સ્ટાર્ટઅપ્સ લોન્ચ થયા છે. આ નવા સાહસોએ છેલ્લાં પાંચ વર્ષમાં 60 બિલિ.ન ડોલરનું મૂડી ભંડોળ પ્રાપ્ત કર્યુ છે.

ઓનલાઇન યોજાયેલ આ ઇવેન્ટમાં તેમણે કહ્યુ કે, દુનિયા કોરોના મહામારીથી લડી રહી છે એવા સંકટસમયમાં પણ ભારતે છેલ્લાં પાંચથી છ મહિનામાં 38 બિલિયન ડોલરથી વધારે ટેકનોલોજી ઇન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત કર્યુ છે. જે ભારતની ખાસ કરીને ટેકનોલોજી સેક્ટરમાં ક્ષમતાને દર્શાવે છે.

એક પ્રશ્નના જવાબમાં અમિતાભ કાંતે કહ્યુ કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્ટ (AI) ભારતની માટે એક મોટી તક બનવા જઇ રહી છે. આ ઇમર્જિંગ ટેકનોલોજીથી 2035 સુધી ભારતીય અર્થવ્યવસ્થામાં 957 બિલિયન ડોલર વધુ ઠલવાશે. વર્તમાનમાં ભારતમાં 65 કરોડ જેટલા ઇન્ટરનેટ યૂઝર્સ છે. દર ત્રણ સેંકડમાં એક નવુ કનેક્શન ઉમેરાય છે. હાલમાં 50 કરોડથી વધારે સ્માર્ટફોન યુઝર્સ ધરાવતું ભારત દુનિયામા મોબાઇલ ડેટાનો સૌથી વધુ ઉપયોગ કરે છે.