આમ આદમી પાર્ટી (AAP) એ શુક્રવાર, 4 નવેમ્બરે ઇસુદાન ગઢવીને ગુજરાત તેના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન ચહેરો કોણ હોવો જોઈએ કે અંગે આમ આદમી પાર્ટીએ જનતામાં એક સરવે કરાવ્યો હતો, તેમાં ભૂતપૂર્વ પત્રકાર અને ટીવી એન્કર ઇસુદાન ગઢવીને 73 ટકા મતો મળ્યા હતા. પાર્ટીએ પંજાબમાં આવા સરવે બાદ ભગવંત સિંહ માનને તેના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.
ઇસુદાન ગઢવી ગયા વર્ષે જૂનમાં AAPમાં જોડાયા હતા. AAPના ગુજરાત એકમના પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ આ રેસમાં હતા. ગુરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે તેના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઇસુદાન ગઢવી ગુજરાતમાં મુખ્યપ્રધાનના ઉમેદવાર હશે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે લોકો દ્વારા પાર્ટીને સબમિટ કરવામાં આવેલા અભિપ્રાયોના આધારે તેમની પસંદગી કરવામાં આવી છે.
40 વર્ષીય ઇસુદાન ગઢવી ભૂતપૂર્વ મીડિયા પ્રોફેશનલ છે. તેઓ VTV ગુજરાતીના લોકપ્રિય ન્યૂઝ શો “મહામંથન” ના એન્કર હતા. ગુજરાતના ડાંગ અને કપરાડા તાલુકામાં વનના વૃક્ષ ગેરકાયદેસર કાપવાના ₹150 કરોડના કૌભાંડનો તેમણે તેમના ન્યૂઝ શોમાં પર્દાફાશ કર્યા પછી તેમને ખ્યાતિ મળી હતી. તેઓ દ્વારકા જિલ્લાના પીપળીયા ગામના ખેડૂત પરિવારમાંથી આવે છે અને અન્ય પછાત જાતિના છે, જે રાજ્યની વસ્તીના 48 ટકા હિસ્સો ધરાવે છે.
અમદાવાદમાં કેજરીવાલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે જે રિસ્પોન્સ લેવાયા હતા તેમાં 16.48 લાખ લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, જેમાં 73 ટકા લોકોએ ઈસુદાન ગઢવીનું નામ સૂચવ્યું હતું. 29 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદ કરવા માટે એક પોલ કરાવ્યો હતો. જેમાં લોકો SMS, વોટ્સએપ તેમજ ઈમેલ અને વોઈસ મેલથી પોતાના પ્રતિભાવ આપવાના હતા. પક્ષનો દાવો છે કે, પહેલા જ દિવસે તેને 15 લાખ રિસ્પોન્સ મળ્યા હતા. ગુજરાતમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે અને આમ આદમી પાર્ટીએ 118 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, 30 વર્ષ બાદ આ વખતે ગુજરાતમાં પહેલીવાર ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે.
AAPના સીએમ કેન્ડિડેટ જાહેર થયા બાદ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે પોતે શોખથી નહીં પરંતુ મજબૂરીમાં રાજકારણમાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલને પોતાની પ્રેરણા ગણાવતા તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમના જેવા નેતાઓને રાજકારણીઓ જ ગાળો આપે છે, પરંતુ જનતા તો તેમનું સમ્માન કરે છે. ખેડૂતો, સામાન્ય માણસો અને વેપારીઓ માટે કામ કરવાની તત્પરતા દાખવતા ઈસુદાને કહ્યું હતું કે જો તેઓ જનતાની અપેક્ષા પૂરી ના કરી શકે તો રાજકારણ છોડી દેશે.