ગુજરાતી મૂળના બ્રિટિશ બિઝનેસમેન ભાઈઓ – મોહસીન અને ઝુબેર ઈસાએ બ્રિટનના બધા જ નાના-મોટા શહેરોમાં રેસ્ટોરન્ટ અને કાફે ધરાવતી બ્રિટનની વિખ્યાત ફાસ્ટફૂડ ચેઈન લીઓનને £100 મિલિયનમાં ખરીદી લીધી હતી. આ ફાસ્ટફૂડ ચેઈન અંતર્ગત કંપની 70 કરતાં વધુ રેસ્ટોરન્ટ ધરાવે છે અને 29 ફ્રેન્ચાઈઝી છે. નેધરલેન્ડ, આયર્લેન્ડ વગેરેમાં પણ આ કંપનીનું ફૂડ લોકપ્રિય છે.
ફાસ્ટફૂડ ચેઈન લીઓનનો પ્રારંભ 2004માં ત્રણ પાર્ટનર – જ્હોન વિન્સેન્ટ, હેનરી ડિમ્બલીબે અને એલેગ્રા મેકઈવરે આ કંપનીની સ્થાપના કરી હતી. તેની ગણતરી હેલ્ધી ફાસ્ટફૂડ કંપની તરીકે થતી હતી. આ કંપની ફૂડના ટેસ્ટ અને ગુણવત્તા માટે જાણીતી છે.
મોહસીન ઈસા અને ઝુબેર ઈસાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘’લીઓનના ત્રણેય માલિકોએ કંપનીને જાણીતી બનાવવામાં અને તેને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી છે. ગ્રાહકોમાં તેની વિશ્વસનીયતા સ્થાપિત કરવામાં પણ કંપનીએ દોઢ દશકામાં જે મહેનત કરી છે, તેને જાળવી રાખવા માટે અમે કટિબદ્ધ છીએ.’’
ગુજરાતી મૂળના ભાઈઓનો પરિવાર 1970ના દશકામાં ગુજરાતથી બ્રિટન સ્થાઈ થયો હતો. ઈસા પરિવારે સ્થાપેલી કંપની ઈજીમાં 44,000 કર્મચારીઓ કાર્યરત છે અને યુરોપ-અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં કંપનીની 6,000 ઓફિસ છે.