આસ્ડાના માલિકો ઇસા બ્રધર્સ વચ્ચેનો કૌટુંબિક અણબનાવ વધુ ઘેરો બનતા ઝુબેર ઈસાએ સુપરમાર્કેટ આસ્ડામાંના પોતાના શેર ખાનગી ઈક્વિટી ફર્મ TDR કેપિટલને વેચી દેતા, બિલિયોનેર ભાઈઓ હવે તેમના અલગ માર્ગે ચાલ્યા ગયા છે.

ત્રણ વર્ષ પહેલાં મોટા ભાઈ મોહસીન અને TDR સાથે £6.8 બિલિયનના ટેકઓવર પછી ઝુબેર લીડ્ઝ સ્થિત ગ્રોસરી ચેઇનનો 22.5% હિસ્સો ધરાવે છે. તેઓ પોતાનો હિસ્સો મહિનાઓથી વેચવા માંગતા હતા. પરંતુ લોક-ઇન એગ્રીમેન્ટ્સને કારણે તે જટિલ હોવાનું માનવામાં આવતું હતું. પણ હવે તે ટ્રાન્ઝેક્શન જુલાઈ અને સપ્ટેમ્બરની વચ્ચે પૂર્ણ થશે. ત્યારપછી TDR નો હિસ્સો 45% થી વધીને 67.5% થશે, જ્યારે મોહસીન 22.5% હિસ્સો પોતાની પાસે રાખનાર છે. જ્યારે આસ્ડાના ભૂતપૂર્વ માલિક, યુએસ રિટેલર વોલમાર્ટે 10% હિસ્સો જાળવી રાખ્યો છે.

મોહસીનના લગ્નના ભંગાણ પછી ઇસા ભાઈઓ વચ્ચેનો અણબનાવ ઉભરી આવ્યો હતો. સન્ડે ટાઈમ્સના રીચ લિસ્ટ અનુસાર, £5 બિલિયનની સંપત્તિ ધરાવતા આ ભાઈઓ બ્લેકબર્ન, લેન્કેશાયરમાં ટેરેસ હાઉસમાં મોટા થયા હતા. તેમણે પિતાના ગેરેજમાં કામ કર્યા પછી, બરી, ગ્રેટર માન્ચેસ્ટરમાં તેમના સામ્રાજ્યની શરૂઆત કરીને, પેટ્રોલ ફોરકોર્ટમાં તેમનું નસીબ બનાવ્યું હતું. જૂન 2021માં TDR સાથે Asda હસ્તગત કર્યા પછી, તેમણે ગયા વર્ષે તેમના ફોરકોર્ટ બિઝનેસ, EG ગ્રુપનો એક ભાગ સુપરમાર્કેટ ચેઇનમાં ફોલ્ડ કર્યો હતો.

શુક્રવારે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે EG ગ્રૂપે તેના બાકીના યુકે પેટ્રોલ સ્ટેશનો ઝુબેરને £228 મિલિયનમાં વેચી દીધા છે.

LEAVE A REPLY