ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ શ્રીહરિકોટા ખાતેથી સોમવારે GSLV-F12 રોકેટ મારફત નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. 51.7 મીટર ઊંચા જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV)ની આ 15મી ઉડાન હતી. ચેન્નાઈથી લગભગ 130 કિમી દૂર સતીશ ધવન સ્પેસ સેન્ટર (SHAR) ખાતેના બીજા લોન્ચ પેડ પરથી સોમવારે સવારે 10.42 વાગ્યે 2,232 કિલો વજનના નેવિગેશન સેટેલાઇટ NVS-01ને લોન્ચ કરાયો હતો. ઉડાન પછી લગભગ 20 મિનિટ પછી આ રોકેટે ઉપગ્રહને લગભગ 251 કિમીની ઉંચાઈએ જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં ગોઠવ્યું હતું.
NVS-01 ઉપગ્રહ L1, L5 અને S બેન્ડ વહન કરે છે અને અગાઉના ઉપગ્રહની સરખામણીમાં બીજી પેઢીના ઉપગ્રહમાં સ્વદેશી રીતે વિકસિત રૂબિડિયમ અણુ ઘડિયાળ પણ હશે. સોમવારના પ્રક્ષેપણમાં સ્વદેશી રીતે વિકસિત રૂબિડિયમ અણુ ઘડિયાળનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવશે. આ ઉપગ્રહથી નેવિગેશન વીથ ઇન્ડિયન કોન્સ્ટેશન(NavIC) સર્વિસના સાતત્યની ખાતરી થશે. ઇન્ડિયન રિજનલ સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ જીપીએસ જેવી સર્વિસ છે. જે ભારતમાં 1,500 કિમી સુધી સચોટ અને રીઅલ-ટાઇમ નેવિગેશન ઓફર છે. NavIC સિગ્નલો સ્થળના સંદર્ભમાં 20-મીટર કરતાં વધુ સચોટ હોય છે.
અવકાશ એજન્સીના જણાવ્યા અનુસાર, વૈજ્ઞાનિકો અગાઉ તારીખ અને સ્થાન નક્કી કરવા માટે આયાતી રૂબિડિયમ અણુ ઘડિયાળોનો ઉપયોગ કરતા હતા. હવે, અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લીકેશન સેન્ટર દ્વારા વિકસિત રૂબિડિયમ એટોમિક ક્લોક તેમાં સામેલ હશે. તે એક મહત્વપૂર્ણ ટેક્નોલોજી છે જે માત્ર મુઠ્ઠીભર દેશો પાસે છે.