ઇઝરાયેલના વિદેશ પ્રધાન એલી કોહેને મંગળવારે સિક્યોરિટી એપડેટને પગલે તેમની ભારત યાત્રા ટૂંકા દેવાની જાહેરાત કરી હતી. કોહેન આજે ત્રણ દિવસની ભારત યાત્રા માટે નવી દિલ્હી આવ્યાં હતાં. જોકે ગાઝા પટ્ટીમાં એક આતંકવાદી જૂથ સામેની ઇઝરાયેલની કાર્યવાહી સંબંધિત સિક્યોરિટી અપડેટને કારણે તેમણે ભારત મુલાકાત ટૂંકાવી દીધી હતી.
કોહેન દિલ્હી પહોંચ્યાનાં થોડા સમય પછી ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઇઝરાયેલમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વિદેશ પ્રધાન કોહેને ભારતની તેમની રાજદ્વારી મુલાકાત ટૂંકાવાનો નિર્ણય કર્યો છે અને આજે યોજાનારી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક પછી તેઓ ઇઝરાયેલ પરત જશે. તેઓ નવી દિલ્હીમાં ઉતર્યા કે તરત જ તેમને સુરક્ષા અપડેટ મળી હતી.
તેલ અવીવના અહેવાલો અનુસાર ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં કેટલાક આતંકવાદીઓને નિશાન બનાવીને એક મોટી લશ્કરી કાર્યવાહી ચાલુ કરી છે. આ હવાઈ હુમલામાં આતંકવાદી જૂથ ઈસ્લામિક જેહાદના ત્રણ કમાન્ડરો સહિત ઓછામાં ઓછા 12 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.
કોહેનની સાથે એક બિઝનેસ પ્રતિનિમંડળ પણ હતું. કોહેનની મુલાકાતથી પરિચિત લોકોએ અગાઉ જણાવ્યું હતું કે તેમની યાત્રા આ વર્ષના અંતમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ભારત યાત્રા માટેની ભૂમિકા તૈયાર કરવા માટેની હતી. જાન્યુઆરીમાં મોદીએ નેતન્યાહુને વહેલી તકે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ઇઝરાયેલના વડાપ્રધાને 2018માં ભારતની મુલાકાત લીધી હતી. 2019માં તેમની ભારતની મુલાકાત સમયપત્રકની સમસ્યાઓના કારણે રદ કરવામાં આવી હતી.
અગાઉ ઇઝરાયેલના મંત્રીએ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વેપાર, રોકાણ, સંરક્ષણ અને કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને વાટાઘાટો કરી હતી. ઈન્ડિયા-ઈઝરાયેલ બિઝનેસ ફોરમમાં સંબોધનમાં કોહેને કહ્યું કે તેઓ વડાપ્રધાન મોદી સાથે બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરારનો મુદ્દો ઉઠાવશે.