હમાસે સાત ઓક્ટોબરે કરેલા હુમલાનો ઇઝરાયેલ જડબાતોડ જવાબ આપી રહ્યું છે ત્યારે ઈરાનના પ્રેસિડન્ટ ઈબ્રાહિમ રૈઇસીએ રવિવારે ઇઝરાયેલને ચેતવણી આપી હતી કે ઇઝરાયેલે રેડલાઇન પાર કરી છે અને બીજા દેશો પણ આ યુદ્ધમાં દરમિયાનગીરી કરી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયલની સરકારના ગુના રેડલાઇન પાર કરી ચુક્યા છે, જેનાથી દરેકને પગલાં લેવાની ફરજ પડી શકે છે. અમેરિકા અમને આ યુદ્ધથી દૂર રહેવાની સલાહ આપે છે, પરંતુ તે ઇઝરાયેલને વ્યાપક સમર્થન આપી રહ્યું છે. સીરિયા અને ઇરાકમાં અમેરિકી દળો પરના તાજેતરના હુમલાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકાએ એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ (ઇરાન અને તેના સમર્થિત મુસ્લિમ ઉગ્રવાદી જૂથો) સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુદ્ધના મેદાનમાં તેને સ્પષ્ટ જવાબ મળી ચુક્યો છે. ઇરાનના પ્રેસિડન્ટે શનિવારે રાત્રે અલ-જઝીરા સાથેના એક ઇન્ટરવ્યુમાં આવી જ ટીપ્પણી કરી હતી અને વધુમાં દાવો કર્યો હતો કે ગાઝામાં ઘૂસેલા ઇઝરાયેલી દળોને હારનો સામનો કરવો પડ્યો હતો અને અને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.
રૈઇસીએ જણાવ્યું હતું કે અમેરિકા તરફથી ઇરાનને મળેલા મેસેજને જવાબમાં ઇરાન સમર્થિક જૂથો હુમલા કરી રહ્યાં છે. 27 ઓક્ટોબરે યુએસ સૈન્ય દળોએ પૂર્વ સિરિયામાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને સંલગ્ન આતંકવાદી જૂથોના મથકો પર હવાઇહુમલા કર્યા હતા. ઈરાક અને સીરિયામાં તૈનાત અમેરિકન આર્મી સામે ઈરાન સમર્થિત જૂથો દ્વારા આ અઠવાડિયે શ્રેણીબદ્ધ હુમલાઓના જવાબમાં અમેરિકાએ આ કાર્યવાહી કરી હતી.