Israel Defense Forces/Handout via REUTERS

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ મંગળવારે તેના પાંચમા દિવસે પ્રવેશ્યો હતો. બંને વચ્ચે વધુ બે દિવસ માટે યુદ્ધવિરામ થયો છે. આ બે દિવસમાં હમાસ બે હપ્તામાં બંધકો મુક્ત કરશે. બીજી તરફ ઇઝરાયેલ પણ તેની જેલમાં બંધ રહેલા પેલેસ્ટાઇનના નાગરિકોને મુક્ત કરશે.

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે એક નિવેદનમાં લાંબા ગાળાના યુદ્ધવિરામ અને તમામ બંધકોની મુક્તિ માટેના તેમના અનુરોધને પુનરાવર્તિત કર્યો હતો.

હમાસ અને અન્ય આતંકવાદીઓ પાસે હજુ 160 બંધકો હોવાનો અંદાજ છે. સાત ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કરીને હમાસે 240 લોકોને બંધક બનાવ્યા હતા.

હમાસે સોમવારે અન્ય 11 મહિલાઓ અને બાળકોને પ્રારંભિક યુદ્ધવિરામ કરાર હેઠળ આયોજિત ચોથા અને અંતિમ સ્વેપમાં મુક્ત કર્યા હતા, જે શુક્રવારથી અમલમાં આવ્યા હતા. ઈઝરાયેલે 33 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા છે. સોમવારે મુક્ત કરાયેલા બંધકો સાથે 51 ઇઝરાયેલીની મુક્તિ થઈ છે. આ ઉપરાંત બીજા દેશોના નાગરિકો હોય તેવા 19 બંધકોને પણ હમાસે મુક્ત કર્યા છે.

અગાઉ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનની સમજૂતી વચ્ચે વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલી દળો કરેલી કાર્યવાહીમાં પેલેસ્ટાઇનના આઠ લોકોના મોત થયાં હતાં. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારથી વેસ્ટ બેન્કમાં હિંસા વધી છે.

વેસ્ટ બેન્કમાં યહુદી વસાહતો દ્વારા પણ હુમલામાં વધારો થયો છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારની સવારથી જેનિનના આતંકવાદી ગઢમાં પાંચ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતાં, જ્યારે અન્ય વિસ્તારોમાં ત્રણ અન્ય લોકો માર્યા ગયા હતાં. સેન્ટ્રલ વેસ્ટ બેંકના અલ-બિરેહમાં માર્યા ગયેલા લોકોમાં એક કિશોર હતો.

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે જેનિન શરણાર્થી શિબિરમાં તેના ઓપરેશન દરમિયાન ગોળીબારમાં પાંચ પેલેસ્ટિનિયનો મોત થયાં હતાં. માર્યા ગયેલા લોકો આતંકવાદી હતાં. જોકે કોઇ આતંકી જૂથે તેમના સભ્યો હોવાનો દાવો કર્યો ન હતો. આ ઓપરેશનમાં હવાઇદળની મદદ પણ લેવામાં આવી હતી.

LEAVE A REPLY