ઇઝરાયેલના તેલ અવિવ નજીક એક બંદુકધારીએ મંગળવારે કરેલા હુમલામાં પાંચ વ્યક્તિના મોત થયો હતા. પોલીસે હુમલાખોરને પણ ઠાર કર્યો હતો. ઇઝરાયેલમાં છેલ્લાં એક સપ્તાહમાં આવો ત્રીજો ઘાતક હુમલો થયો છે.
ચુસ્ત રૂઢિવાદી શહેર બ્નેઇ બ્રાક અને પડોશના શહેર રામત ગાનના નિવાસીઓએ જણાવ્યું હતું કે હુમલાખોર આમ-તેમ ફરતો હતા અને બાજુમાંથી પસાર થઈ રહેલા મુસાફરો પર ફાયરિંગ ચાલુ કર્યું હતું. ઇઝરાયેલની પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ હુમલાખોરને ઠાર કર્યો છે. જોકે તેનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. ઇઝરાયેલના મીડિયાના અહેવાલ મુજબ ઇઝરાયેલા કબજે કરેલા વેસ્ટ બેન્કનો પેલેસ્ટાઇનનો એક નાગરિક હુમલાખોર હોવાની આશંકા છે. આ હુમલાખોર ચાર વર્ષ સુધી આ યહુદી રાષ્ટ્રની જેલમાં રહ્યો છે.
ઇમર્જન્સી સર્વિસના વડા મેગન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે કમનસીબે પાંચ વ્યક્તિના મોત થયા છે. બ્નેઇ બ્રાક શહેરમાં બે જગ્યાએ હુમલા થયા હતા અને અગાઉ બેનો મૃત્યુઆંક આપવામાં આવ્યો હતો.
પેલેસ્ટાઇનના પ્રેસિડન્ટ મહમુદ અબ્બાસે આ હુમલાની નિંદા કરી હતી. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આપણે સ્થિરતાનો પ્રયાસ કરી રહ્યાં છીએ ત્યારે પેલેસ્ટાઇન અને ઇઝરાયેલના નાગરિકોની હત્યાથી સ્થિતિ વધુ કથળશે,
ઇઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે દેશ હિંસક ત્રાસવાદના દોરનો સામનો કરી રહ્યો છે.તેઓ સ્થિતિની સમીક્ષા કરવા માટે ટોચના સુરક્ષા અધિકારીઓની એક ઇમર્જન્સી બેઠક યોજશે. આ હુમલા માટે કોઇ સંગઠને તાકીદે જવાબદારી સ્વીકારી ન હતી.
મંગળવારના આ હુમલા સાથે એક સપ્તાહમાં ઇઝરાયેલમાં ત્રણ ઘાતક હુમલા થયા છે, જેમાં હુમલાખોરો સહિત 11ના મોત થયા છે. રવિવારે થયેલા ગોળીબારમાં ઇઝરાયેલના બે પોલીસ અધિકારીના મોત થયા હતા. આ હુમલાનો જવાબદારી ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપે લીધી હતી.