ઇજિપ્તની મધ્યસ્થીને પગલે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના સંગઠન હમાસ ગુરૂવારે સાંજે યુદ્ધવિરામ પર સંમત થયા હતા. બંને વચ્ચે સંઘર્ષ વિરામના અમલ શુક્રવારથી થશે. આંતરરાષ્ટ્રીય દબાણને પગલે આ સમજૂતી થઈ હતી. હમાસના વરિષ્ઠ નેતાઓ શુક્રવારે વિજયનો દાવો કર્યો હતો અને ગાઝા પટ્ટીમાં હજારો લોકોએ ઉજવણી કરી હતી. ૉ
10 મે પછીથી ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હુમલાથી 65 બાળકો સહિત આશરે પેલેસ્ટાઇનના 232 લોકોના મોત થયા હતા અને બીજા 1,900 લોકો ઘાયલ થયા હતા, એમ ગાઝાના હેલ્થ મંત્રાલયે જણાવ્યું હતું. 11 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધના કારણે ગાઝાપટ્ટીમાં ભારે તબાહી મચી હતી. મોટાભાગના ઇઝરાયેલમાં જીવન ઠપ્પ થઈ ગયું હતું.
હમાસ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ઇઝરાયેલા હુમલાને પગલે ભારે તબાહી મચી હતી અને 120,000 લોકો વિસ્થાપિત બન્યા હતા. ઇઝરાયેલીની આર્મીએ જણાવ્યું હતું કે હમાસ અને બીજા ઇસ્લામિક ગ્રૂપોએ આ સંઘર્ષ દરમિયાન ઇઝરાયેલ પર 4,300 રોકેટ છોડ્યા હતા, પરંતુ ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમ મારફત મોટા ભાગના રોકેટને હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા. ઇઝરાયેલમાં આ રોકેટ હુમલાથી 12 લોકોના મોત થયા હતા, જેમાં બે બાળક અને એક સૈનિકનો સમાવેશ થાય છે. આ હુમલામાં ભારતના એક નાગરિકનું પણ મોત થયું હતું. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને ઇઝરાયેલ-ગાઝા યુદ્ધવિરામની પુષ્ટિ કરી છે. બાઇડને યુદ્ધવિરામ માટે ઇઝરાયેલની પ્રશંસા કરી છે.