ઉત્તર ઈઝરાયેલના મેરોન ખાતે આવેલા યહુદીઓના ધર્મસ્થાનમાં શુક્રવારે ભારે ભીડ પછી ધક્કા મુક્કી થતાં ઓછામાં ઓછા 44 લોકોના મોત નિપજ્યા હતા. બીજી સદીના યહુદી ધાર્મિક નેતા, રબ્બી શિમોન બાર યોછાઈની દરગાહ ખાતે આ મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી. ગયા વર્ષે કોરોનાના રોગચાળાના કારણે અહીં યાત્રા પ્રતિબંધિત રહી હતી, પણ આ વર્ષે સ્થિતિ સારી હોવાથી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ધસારો એટલો મોટો હતો કે પોલીસે પરવાનગી આપ્યા કરતાં ત્રણ ગણી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં બાળકોનો પણ સમાવેશ થતો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ઈઝરાયેલની રેસ્ક્યુ સર્વિસ માગેન ડેવિડ એડમના પ્રવકતાએ આપેલી માહિતી મુજબ ઘટના સ્થળે જ 38 લોકોના મોત થયા હતા, તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઈજાગ્રસ્તોની સંખ્યા એનાથી પણ વધુ છે. 150ની સારવાર કરવામાં આવી રહી છે અને તેમાંથી છની સ્થિતિ ગંભીર છે.
આ યાત્રાની સલામતી માટે 5,000 જેટલા પોલીસ જવાનો તહેનાત કરાયા હતા, પણ સ્ટેડિયમમાં બેઠકો તૂટી પડ્યા પછી લોકો એકબીજા ઉપર પડ્યા હતા અને ભારે ધક્કા મુક્કી થઈ હતી. અતિ રૂઢીચુસ્ત યહુદીઓ આ સંતના અનુયાયીઓ છે અને 10,000 લોકોને યાત્રામાં સામેલ થવાની મંજુરી અપાયા સામે 30,000 લોકો એકત્ર થયા હતા.