ઇસ્લામિક સ્ટેટ સેલ – જૂથ સાથે સંકળાયેલા અને પશ્ચિમી દેશોના બંધકોને ત્રાસ આપી શિરચ્છેદ કરવાનો આરોપ ધરાવતા “ધ બીટલ્સ” આઈન ડેવિસ (ઉ.વ.38)ને બ્રિટનમાં દેશનિકાલ કરાયા બાદ તેના પર આતંકવાદના ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેને તુર્કીથી બ્રિટન લવાયા બાદ લુટન એરપોર્ટ પર અટકાયતમાં લેવાયો હતો. હાલ તે સાઉથ લંડનમાં કસ્ટડીમાં રખાયો છે.
ડેવિસ પર ટેરરીસ્ટ સેલના ચોથા સભ્ય હોવાનો આરોપ છે જે તેણે નકાર્યો છે. તેના બ્રિટિશ ઉચ્ચારોને કારણે બીટલ્સ કહેવાતો હતો. જેહાદી જ્હોન તરીકે જાણીતો મોહમ્મદ ઇમ્વાઝી હત્યાઓ માટે કુખ્યાત હતો એને તેના ફૂટેજ સોશ્યલ મિડીયામાં વાઇરલ કરાયા હતા. જેની અમેરિકાએ ડ્રોન દ્વારા મિસાઇલ ફેંકી હત્યા કરી હતી. હેમરસ્મિથ, લંડનનો આઈન લેસ્લી ડેવિસ કથિત રીતે બે વર્ષ સુધી સીરિયામાં Isis માટે લડ્યો હતો. તેને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો. ડેવિસ આતંકવાદ વિરોધી સત્તાવાળાઓ માટે માથાનો દુખાવો બની શકે છે. જૂથના અન્ય બે સભ્યો એલેક્ઝાન્ડા કોટી યુએસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને અલ શફી એલ્શેખને આવતા અઠવાડિયે શુક્રવારે સજા સંભળાવવાની છે.