વર્ષ 2004ના વિવાદાસ્પદ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં અમદાવાદ ખાતેની CBIની વિશેષ કોર્ટે બુધવારે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ કેસમાં ત્રણ પોલીસ અધિકારીઓને ડિસ્ચાર્જ કર્યા છે. આ અધિકારીઓમાં ક્રાઈમ બ્રાંચના તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનાજુ ચૌધરીનો સમાવેશ થાય છે.
સીબીઆઈ કોર્ટે જણાવ્યું હતું કે, ઈશરત જહાં લશ્કર-એ- તોયબાની આતંકવાદી હતી અને પોલીસ અધિકારીઓએ તેમના કામના ભાગરૂપે આ કાર્યવાહી કરી હતી.
2004માં ઈશરત જહાં એન્કાઉન્ટર પછી આઈપીએસ અધિકારી સિંઘલ, નિવૃત્ત DYSP તરુણ બારોટ અને સહાયક સબ-ઇન્સ્પેક્ટર અનાજુ ચૌધરી સામે ગુજરાત સરકારે કાર્યવાહી કરવા માટેની મંજૂરીનો ઈનકાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, 15 જુન 2004ના રોજ અમદાવાદ નજીક કોતરપુર ખાતે ઇશરત જહાં સાથે જાવેદ શેખ, અમજદ રામા, ઝીશાન જોહરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસે આરોપ લગાવ્યો હતો કે, તમામ લશ્કર-એ-તાયબા સાથે સંકળાયેલા હતા અને તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મારવાના ઈરાદે આવ્યા હતા. જોકે આ એકાઉન્ટર બનાવટી હોવાનો આક્ષેપ થયો હતો. આ પછીથી સીબીઆઇએ ગુજરાતના વિવિધ પોલીસ અધિકારીઓ સામે કેસ દાખલ કર્યા હતા.