ભારતના પીઢ ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટના ચોથા દિવસે ૩૦૦ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. તેણે ૯૮મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે. તેની સાથે તે ૩૦૦ વિકેટ ઝડપનારો ભારતનો છઠ્ઠો બોલર અને ત્રીજો ફાસ્ટ બોલર બન્યો છે. તેના પહેલા કુંબલે, કપિલ દેવ, હરભજન, અશ્વિન અને ઝહિરખાન 300 વિકેટ ક્લબના મેમ્બર બની ચૂક્યા છે. ફાસ્ટ બોલર્સમાં કપિલદેવે ૩૪૩ અને ઝહિરખાને ૩૧૨ વિકેટ ઝડપી છે.
ઇશાંતે બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડના ડેન લોરેન્સની વિકેટ સાથે આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય બોલર્સમાં રવિચન્દ્રન અશ્વિને સૌથી ઓછી – ૫૪ ટેસ્ટમાં ૩૦૦ વિકેટ ઝડપી હતી. તેના પછીના ક્રમે કુંબલે ૬૬ ટેસ્ટમાં અને હરભજનસિંઘ ૭૨ ટેસ્ટમાં, કપિલ દેવ ૮૩ ટેસ્ટમાં અને ઝહિરખાન ૮૯ ટેસ્ટમાં 300 શિકારનો આંકડો હાંસલ કર્યો હતો. ઇશાંતે બાંગ્લાદેશ સામે ૨૦૦૭માં ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ઇંશાંતે ઇજાના લીધે ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટની શ્રેણી ગુમાવી હતી. હવે તે આ સિરીઝમાં જ ૧૦૦ ટેસ્ટ પૂરી કરનારા ભારતીય બોલર બનવાની સિદ્ધિ પણ મેળવી શકે છે.