ઈશા કોપીકરે તાજેતરમાં પતિ ટિમી નારંગ સાથે છૂટાછેડા લીધા હોવાનું મીડિયા સૂત્રો જણાવે છે. રેસ્ટોરાં બિઝનેસ સાથે સંકળાયેલા નારંગથી ઈશા અલગ રહેવા જતી રહી છે અને તેની સાથે 9 વર્ષની પુત્રી રિઆના પણ છે. સૂત્રો કહે છે કે, બંને વચ્ચે ઘણા મતભેદ ઊભા થયા હતા અને એકબીજાને સમજવા, અનુકૂળ થવા બંનેએ ખૂબ પ્રયાસ કર્યા હતા.
લગ્ન જીવનને બચાવવાના પ્રયાસ સફળ ન રહેતા તેમણે નવેમ્બરમાં છૂટાછેડા લીધા હતા. ઈશા પોતાની પુત્રીને લઈને અલગ રહેવા જતી રહી હતી. ઈશાએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. ઈશાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે કંઈ પણ કહેવું ઘણું વહેલું ગણાશે. ઈશા અને ટીમી નારંગની પ્રથમ મુલાકાત જીમમાં થઈ હતી. ત્રણ વર્ષના ડેટિંગ બાદ તેમણે 2009માં લગ્ન કર્યા હતા.
ઈશા કોપિકરે 2002માં કંપની ફિલ્મના ગીત ખલ્લાસથી દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી. ત્યારબાદ પિંજર, ડરના મના હૈ, એલઓસી કારગિલ, રુદ્રાક્ષ, ક્રિશ્ના કોટેજ, હમ તુમ ક્યા કૂલ હૈં હમ, ડી, મૈંને પ્યાર ક્યું કિયા જેવી કેટલીક ફિલ્મો ઈશાને મળી હતી. ઈશાની એક્ટિંગના વખાણ થવા છતાં તેને એ-ગ્રેડ સ્ટારનું સ્ટેટસ મળ્યુ ન હતું. ઈશાએ સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ નસીબ અજમાવ્યું હતું. 2009માં લગ્ન બાદ ઈશાએ એક્ટિંગથી અંતર રાખ્યુ હતું. છૂટાછેડા લીધા પછી ઈશા કોપીકર ફરીથી ફિલ્મોમાં પદાર્પણ કરે તેવી સંભાવના છે.