આયર્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ગયા સપ્તાહ રમાનારી નિર્ધારિત પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ વરસાદમાં ધોવાઈ જતાં તેનો અણધાર્યો ફાયદો દક્ષિણ આફ્રિકાને થયો હતો. આ વર્ષે ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાને સીધી એન્ટ્રી મળી ગઈ છે. દક્ષિણ આફ્રિકા હવે સુપર લીગ ટેબલમાં આઠમા સ્થાને પહોંચી ગયું છે અને ટીમને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળ્યો છે.
હવે આયર્લેન્ડની ટીમ હવે બાંગ્લાદેશને વનડે શ્રેણીમાં હરાવે તો પણ તે સુપર લીગના પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાન માટે દક્ષિણ આફ્રિકાથી આગળ નિકળી શકશે નહીં. આયર્લેન્ડને હવે ઝિમ્બાબ્વેમાં 18 જૂનથી 9 જુલાઈ સુધી ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવો પડશે, જેમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા જેવી અનુભવી ટીમો પણ મેદાનમાં છે. દક્ષિણ આફ્રિકાના કોચ રોબ વોલ્ટરે જણાવ્યું હતું કે અમે સીધા ક્વોલિફાય થઈને ખૂબ જ ખુશ છીએ કારણ કે અમારે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટમાં ભાગ લેવો પડશે નહીં. તેમણે વધુમાં કહ્યુ હતું કે ક્વોલિફાયર્સમાં ભાગ લેવાથી અમને ફાયદો પણ થયો હોત કારણ કે અમે ઘણી ઓછી સીરીઝ રમ્યા છીએ. સાઉથ આફ્રિકા વર્ષની શરૂઆત સુપર લીગ ટેબલમાં 11મા સ્થાને રહીને કરી હતી. તેનો પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગલાદેશમાં પરાજય થયો હતો.