પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઈરાને મંગળવારની રાત્રે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી સંગઠનોને ટાર્ગેટ બનાવીને મિસાઈલ છોડી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન ઈરાનના વિદેશ પ્રધાન હુસૈન અમીર-અબ્દોલ્લાહિયન સાથે મુલાકાત કરી તેના થોડા કલાકોમાં ઇરાને આ હુમલો કર્યો હતો. પાકિસ્તાને કહ્યું હતું કે મિસાઇલ હુમલામાં બે બાળકોના મોત થયા હતા અને ચેતવણી આપી કે આ ઘટનાના “ગંભીર પરિણામો” આવી શકે છે અને તે “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” છે.

પાકિસ્તાને કહ્યું હતું આ મિસાઇલ હુમલો  દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના પંજગુર ક્ષેત્રમાં થયો હતો. આ વિસ્તાર બંને દેશો વચ્ચેની 1,000 કિલોમીટરની સરહદની નજીક છે. ઈરાની સમાચાર એજન્સી તસ્નીમ ન્યૂઝે જણાવ્યું હતું કે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ આ હુમલા કર્યા હતા, તેને હુમલા પછીના કથિત વીડિયો શેર કર્યા હતા. આ મિસાઇલ હુમલામાં એક ઇમારત ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગમાં આગ લાગી હતી.

મંગળવારનો હુમલો આશ્ચર્યજનક છે કારણ કે બંને દેશો તેમના પ્રદેશોમાં આતંકવાદને ટેકો આપવાનો વારંવાર એકબીજા પર આરોપ લગાવે છે, પરંતુ લશ્કરી અથડામણ ભાગ્યે જ થઈ છે.

ઈરાને હુમલા અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી, પરંચું એક સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે મિસાઈલોએ જૈશ અલ-અદલ અથવા “આર્મી ઑફ જસ્ટિસ”ના પાકિસ્તાની હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું અને તેનો નાશ કર્યો હતો, જેને ઈરાને આતંકવાદી જૂથ તરીકે બ્લેકલિસ્ટ કર્યું છે. આ સંગઠને છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાનમાં અનેક હુમલાઓ કર્યા છે.ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે ઈરાનના એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું અને 11 જેટલા પોલીસ અધિકારીઓની હત્યા કરી હતી. 2012માં રચાયેલ જૂથને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.

LEAVE A REPLY