ઈરાનના પ્રેસિડન્ટ ઈબ્રાહિમ રાયસી અને તેમના વિદેશ પ્રધાનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. હેલિકોપ્ટર ગાઢ ધુમ્મસમાં પર્વતીય વિસ્તારને પાર કરી રહ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું. સરકારી ટેલિવિઝનએ સોમવારે જણાવ્યું હતું કે ઈરાની રાષ્ટ્રના સેવક આયાતુલ્લાહ ઈબ્રાહિમ રાયસીએ લોકોની સેવા કરતી વખતે સર્વોચ્ચ શહાદત મેળવી છે.
પ્રેસિડન્ટ રાયસી ઈરાનના શહેર તાબ્રિઝની પરત આવી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. તેમણે તાબ્રિઝમાં અઝરબૈજાનના પ્રમુખ ઇલ્હામ અલીયેવ સાથે તેમની સહિયારી સરહદ પર કિઝ કલાસી ડેમનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રેસિડન્ટ રાયસી, વિદેશ પ્રધાન હોસૈન અમીર-અબ્દોલ્લાહિયન અને અન્ય અધિકારીઓને લઈ જતા હેલિકોપ્ટરે ઉડાન ભરી તેની લગભગ 30 મિનિટમાં સંપર્ક ગુમાવ્યો હતો. તેનાથી તાત્કાલિક વ્યાપક શોધખોળ અને બચાવ અભિયાન હાથ ધરાયું હતું.
આ દુર્ઘટના અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયે ચિંતા વ્યક્ત કરી હતી અને મદદની ઓફર કરી હતી. ઇરાક, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, રશિયા, તુર્કી અને યુરોપિયન યુનિયન સહિતના દેશો અને સંગઠનોએ સમર્થનનું વચન આપ્યું છે. EUએ શોધખોળ પ્રયત્નોમાં મદદ કરવા માટે તેની ઝડપી પ્રતિભાવ મેપિંગ સેવા પણ સક્રિય કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને શોક વ્યક્ત કર્યો હતો. તેમમે જણાવ્યું હતું કે “ઈરાનનાપ્રેસિડન્ટ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રાયસીના દુ:ખદ અવસાનથી ખૂબ જ દુઃખ અને આઘાત લાગ્યો. ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ. ભારત દુ:ખના આ સમયમાં ઈરાનની સાથે છે,”
63 વર્ષીય ઈબ્રાહિમ રાયસીનું વિમાન એવા સમયે ક્રેશ થયું છે જ્યારે ઈરાનમાં વિવિધ રાજકીય, સામાજિક અને આર્થિક સંકટોને લઈને અસંતોષ વધી રહ્યો છે. ઈરાનના મૌલવી શાસકો દ્વારા તેહરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ અને યુક્રેનમાં યુદ્ધ દરમિયાન રશિયા સાથે તેના ગાઢ લશ્કરી સંબંધોને લઈને આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરી રહ્યા છે.