ફિફા ફૂટબોલ વર્લ્ડકપમાં સોમવાર, 21 નવેમ્બરે ઇંગ્લેન્ડ સામે પ્રથમ મેચ વખતે ઇરાનના ખેલાડીઓએ તેમનું રાષ્ટ્રગીત ગાયું ન હતું. દેખિતી ઇરાનમાં હિજાબ સામે ચાલુ રહેવાના આંદોલનના સમર્થનના ખેલાડીઓએ આવા નિર્ણય કર્યો હતો.
કતારમાં રમત પહેલા કેપ્ટન અલીરેઝા જહાનબખ્શે જણાવ્યું હતું કે ટીમ એકસાથે નક્કી કરશે કે ઈરાનમાં શાસનને હચમચાવી નાખનારા આંદોલન માટે એકતા દર્શાવવા રાષ્ટ્રગીત ગાવાનો ઇનકાર કરવો કે નહીં. દોહાના ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઇરાનનું રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે ઈરાની ખેલાડીઓ ઉદાસીન અને ઉગ્ર ચહેરા સાથે ઊભા હતા.
16 સપ્ટેમ્બરે ઈરાનમાં 22 વર્ષની યુવતી મહસા અમિનીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. ત્યારબાદ બે મહિનાથી સમગ્ર ઈરાનની જનતા સરકાર વિરુદ્ધ દેખાવો કરી રહી છે. કુર્દ મૂળની મહસા અમિનીની તહેરાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના ત્રણ દિવસ બાદ તેનું મોત થયું હતું. તેના પર ઈરાનના મહિલાઓ અંગેના ડ્રેસ કોડના ઉલ્લંઘનનો આરોપ હતો. ડ્રેસ કોડ પ્રમાણે મહસાએ હિજાબ પહેર્યો ન હતો. ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવો જરૂરી છે. જોકે, મહસાના મોત બાદ ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. મહિલાઓ હિજાબની હોળીઓ કરી રહી છે. ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે.