ઇરાનમાં ચાલી રહેલુ હિજાબવિરોધી આંદોલન અને હિંસા યુકે આવી પહોંચી છે અને ઠેરઠેર દેખાવો થઇ રહ્યા છે. ગત રવિવારે લંડનમાં ઈરાનની એમ્બેસીની સાવ નજીક વિરોધ-પ્રદર્શનો કરી એમ્બેસીની સુરક્ષા કરી રહેલી પોલીસ પર બૉટલ્સ અને અન્ય વસ્તુઓ ફેંકી હુમલા કરાયા હતા. તેનો પડઘો પડતા મેઇડા વેલમાં ઇસ્લામિક સેન્ટર ઑફ ઇંગ્લૅન્ડ સામે દેખાવો કરાયા હતા. કેટલાક આંદોલનકારીઓએ કિલબર્ન ઇસ્લામિક સેન્ટરની બહાર પણ દેખાવો કર્યા હતા.
દેખાવો દરમ્યાન કેટલાક પોલીસ અધિકારીઓને ઈજા થઈ હતી, જેમાંથી પાંચ પોલીસ અધિકારીઓની ઈજા ગંભીર હતી. હિંસક દેખાવો બદલ બાર જણની ધરપકડ કરાઇ છે. ઈરાનમાં આંદોલનકારી મહસાના મૃત્યુ બાદ થયેલા હિંસક દેખાવોમાં ઓછામાં ઓછા ૬૦ જણનાં મૃત્યુ થયાં હોવાનું મનાય છે.