કેટલાક દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે, કોરોનાથી બચવા માટે ઈરાનામાં લોકોએ એક અફવાથી દોરવાઈને આલ્કોહોલ પી લીધુ હતુ. જેમાં સેંકડો લોકોના મોત થયા હતા.હવે ઈરાનની સરકારે આ વાતની કબૂલાત કરી છે. સરકારે કહ્યુ હતું કે, સોશ્યલ મીડિયામાં ચાલતી અફવાથી ગેરમાર્ગે દોરાઈને 5000 લોકોએ ઉદ્યોગો માટે વપરાતુ આલ્કોહોલ પી લીધુ હતુ.જેનાથી 728 લોકોના મોત થયા છે.
ઉપરાંત સેંકડો લોકોએ આંખોની રોશની પણ ગુમાવી છે. જેમાં સંખ્યાબંધ બાળકોનો પણ સમાવેશ થાય છે.ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે અફવા બાદ લોકોએ આલ્કોહોલ શોધવાનુ શરુ કર્યુ હતુ. જેમાં કેટલાક માતા પિતાએ તો પોતાના બાળકોને પણ આ પીવડાવી દીધુ હતુ.
આ પ્રકારના આલ્કોહોલને મિથેનોલ કહેવાય છે. જેની રંગ અને ગંધ દારુ જેવી જ હોય છે.જે માણસના મગજને નુકસાન કરે છે. ઈરાનમાં હાલમાં 91000 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓના મામલા સામે આવ્યા છે અને 5800 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે. હાલમાં કોરોના વાયરસ પર કાબૂ મેળવાયો હોવાનો સરકારનો દાવો છે.