ભારતીય બેન્કોમાં ઇરાનના રૂપી રિઝર્વમાં ઘટાડો થતાં સાવધાનીના પગલાં તરીકે ભારતના વેપારીઓએ તહેરાન પાસેથી નિકાસના નવા કોન્ટ્રાક્ટ લેવાનું લગભગ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. ભારત ખાસ કરીને ઇરાનમાં ચોખા, ખાંડ અને ચા જેવી કોમોડિટીની નિકાસ કરે છે, એમ ઇન્ડસ્ટ્રીના છ અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યું હતું.
મુંબઈ ખાતેના ગ્લોબલ ટ્રેડિંગ હાઉસના ડીલરે જણાવ્યું હતું કે પેમેન્ટમાં વિલંબ થતો હોવાથી નિકાસકારો ઇરાન સાથે બિઝનેસ ટાળી રહ્યાં છે. ભારતની યુકો અને આઇડીબીઆઇ બેન્કમાં ઇરાનની રૂપી રિઝર્વમાં મોટો ઘટાડો થયો છે અને નિકાસકારોને નવા શિપમેન્ટ માટે સમયસર પેમેન્ટ ન મળવાની આશંકા છે. ભારતે રૂપી ટ્રેડ માટે આ બંને બેન્કોની મંજૂરી આપેલી છે.
અમેરિકાના પ્રતિબંધોને કારણે ઇરાન ક્રૂડ ઓઇલના વેચાણનું ટ્રાન્ઝેક્શન યુએસ ડોલરમાં કરી શકતું નથી. ઇરાન અગાઉ રૂપિયાના ચલણમાં ભારતને ક્રૂડ ઓઇલનું વેચતું હતું. આના બદલામાં તે વિવિધ કૃષિ કોમોડિટીની આયાત કરતું હતું. પરંતુ ભારતે મે 2019માં તહેરાનનું ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યું છે.
સૂત્રોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલનું ભારતને 22 મહિનાથી વેચાણ ન થયું હોવાથી હવે ઇરાન પાસે રૂપી રિઝર્વ ખુટી રહી છે. IDBI બેન્કના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ઇરાનના રિઝર્વમાં મોટો ઘટાડો થયો છે અને વેપાર બંધ થયો હોવાથી ટૂંકસમયમાં રિઝર્વ સમાપ્ત થઈ જશે.
ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને ચોખાના નિકાસકાર વિજય સેટિયાએ જણાવ્યું હતું કે ચોખા નિકાસકારો હાલના પેમેન્ટ મેકેનિઝમથી ચિંતિત છે. ગયા વર્ષના શિપમેન્ટથી પેમેન્ટમાં ઘણો વિલંબ થાય છે. નિકાસકારોને શિપમેન્ટના છ મહિને પેમેન્ટ મળે છે. આ અંગેના ઇરાનના વેપાર મંત્રાલય અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇરાને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ઇરાનના વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે અમે ભારત સરકાર અને ભારતના વેપારીઓ સાથે આ મુદ્દાના ઉકેલ માટે મંત્રણા કરી રહ્યાં છીએ અને મુદ્દાનો ટૂંક સમયમાં ઉકેલ આવવાની ધારણા છે.