ઇરાનમાં હિજાબ વિરુદ્ધ થયેલા જબરજસ્ત આંદોલન સામે અંતે સરકારને ઝુકવું પડ્યું છે. દેશમાં છેલ્લા ત્રણેક મહિનાથી થઇ રહેલા ઉગ્ર દેખાવોને ધ્યાનમાં રાખીને સરકારે મોરાલિટી પોલીસ વિખેરી નાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ, હિજાબના કાયદામાં ફેરફાર અંગે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. મોરાલિટી પોલીસે જ મહસા અમીનીની હિજાબ નહીં પહેરવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી અને પોલીસની અટકાયત દરમિયાન જ 22 વર્ષની મહસાનું મોત થયું હતું.
મહસાના મૃત્યુના વિરોધમાં દેશભરમાં ઉગ્ર દેખાવો થયા હતા, મહિલાઓએ હિજાબ સળગાવવાનું શરૂ કર્યું હતું. મહસાના સમર્થનમાં વિશ્વભરમાં મહિલાઓએ પોતાના વાળ કાપીને વિરોધ દર્શાવ્યો હતો. અંતે બે મહિના કરતાં વધુ સમય પછી ઇરાન સરકારે મોરાલિટી પોલીસ વિખેરી નાખી છે. આ ઘટના પછી ઇરાને શનિવારે જણાવ્યું હતું કે, તેઓ દાયકાઓ જુના હિજાબ અંગેના કાયદાની સમીક્ષા કરી રહ્યા છે.
એટર્ની જનરલ મોહમ્મદ જાફર મોંટાઝેરીના હવાલે સમાચાર એજન્સી – આઇએસએનએના અહેવાલમાં જણાવાયું હતું કે, મોરાલિટી પોલીસને ન્યાયપાલિકા સાથે કોઇ સંબંધ નથી, તેને વિખેરી નખાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગશ્ત-એ-ઇર્શાદ અથવા ગાઇડન્સ પેટ્રોલના નામે જાણીતી મોરાલિટી પોલીસની સ્થાપના ઈસ્લામના કટ્ટર સમર્થક, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ મહમૂદ અહમદીનેજાદના શાસનમાં થઇ હતી, જેનો ઉદ્દેશ્ય હિજાબ અને સભ્યતા ફેલાવાનો હતો.
સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઇરાન સરકારે હિજાબ અંગેના દાયકાઓ જુના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. સંસદ અને ન્યાયપાલિકા બંને તે મુદ્દે વિચાર કરી રહ્યા છે. બંને એ પણ વિચારશે કે કાયદામાં ફેરફારની જરૂરત છે કે નહીં. જોકે, તેમણે એ બાબત સ્પષ્ટ નહોતી કરી કે, બંને સંસ્થાઓ કાયદામાં કેવો ફેરફાર કરશે.