ઇરાનમાં હિજાબ વગરની એક મહિલાને બેન્કિંગ સર્વિસ પૂરી પાડવા બદલ બેન્ક મેનેજરની હકાલપટ્ટી કરવામાં આવી હતી, એમ રવિવારે સ્થાનિક મીડિયાના અહેવાલમાં જણાવ્યું હતું. હિજાબ વિરોધ દેખાવોએ આ ઇસ્લામિક પ્રજાસત્તાક દેશને હચમચાવી નાખ્યો છે ત્યારે આ ચોંકાવનારી ઘટના બની છે.
મેહર ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ રાજધાની તેહરાનની નજીક આવેલા ક્યુમ પ્રાંતમાં બેન્ક મેનેજરે ગુરુવારે હિજાબ વગરની મહિલાને બેન્ક સેવાઓ પ્રદાન કરી હતી. તેથી તેમને ગવર્નરના આદેશથી તેમના પદ પરથી દૂર કરાયા હતા. હિજાબ વગરની મહિલાના વીડિયો અંગે સોશિયલ મીડિયામાં ઘણી પ્રતિક્રિયા આવી હતી.
ઈરાનમાં મોટાભાગની બેન્કો સરકારના નિયંત્રિત હેઠળ છે અને ડેપ્યુટી ગવર્નર હાજીઝાદેહે કહ્યું હતું કે હિજાબ કાયદાનો અમલ કરવાની જવાબદારી આવી સંસ્થાઓમાં સંચાલકોની છે.
દેશની મોરાલિટી પોલિસી લાગુ કરેલા કાયદા મુજબ 80 મિલિયનથી વધુ લોકોના દેશમાં મહિલાઓ માટે માથું, ગરદન અને વાળ ઢાંકવા ફરજિયાત છે. ડ્રેસ કોડના નિયમોના કથિત ભંગ કરવા બદલ 16 સપ્ટેમ્બરે પોલીસે 22 વર્ષીય મહસા અમિનીને અટકાયતમાં લીધી હતી અને તેનું પોલીસ કસ્ટડીમાં જ મોત થયું હતું. આ પછીથી હિજાબ વિરોધી આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. સત્તાવાળાઓ તેને “હુલ્લડો” કહે છે.