ઇરાનમાં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં કટ્ટરવાદી નેતા ઈબ્રાહિમ રઈસીને વિજય મળ્યો છે. ઈબ્રાહિમ રઈસી ઈરાનના 81 વર્ષીય સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામૈનીના સમર્થક ગણાય છે. જોકે અમેરિકાએ શનિવારે જણાવ્યું હતું કે ઇરાનના લોકો દેશની પ્રેસિડન્ટની ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી પ્રક્રિયામાં સામેલ થઈ શક્યા ન હતા. આ ચૂંટણીમાં ઘણા અગ્રણી રાજકીય નેતાઓને લડવાની પરવાનગી મળી નહતી. તેથી મતદાન પણ ઘણું ઓછું થયું હતું.
ચૂંટણીમાં ઈબ્રાહિમ રઈસીને બહુમતી મળી છે. ઈબ્રાહિમ રઈસી ઈરાનના સર્વોચ્ચ ન્યાયાધિશ હતા અને ખૂબ જ રૂઢિવાદી વિચારધારા માટે જાણીતા છે. ૨૦૧૯માં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામૈનીએ તેમને ઈરાનના મુખ્ય ન્યાયાધિશ બનાવ્યા હતા.
અહેવાલો પ્રમાણે ઈબ્રાહિમ રઈસીને એક કરોડ ૭૮ લાખ જેટલાં મતો મળ્યા હતા. તેમના નજીકના હરિફ ઉમેદવાર અબ્દુલ નાસિર હેમ્માતીને ખૂબ જ ઓછા મતો મળ્યા હતા. અહેવાલો પ્રમાણે હેમ્માતીને ૭૮ લાખ મતો મળ્યા હતા. હેમ્માતી ઈરાનની સેન્ટ્રલ બેંકના પ્રમુખ રહી ચૂક્યા છે અને ઈરાનના ઉદારવાદી નેતાઓમાં તેમની ગણતરી થાય છે. તે સિવાય રિવોલ્યુશનરી ગાર્ડના પૂર્વ કમાન્ડર મોહસીન રેજાઈ પણ પ્રેસિડન્ટની દોડમાં હતા. મોહસીનને ૩૩ લાખ મતો મળ્યા હતા.
ઈબ્રાહિમ રઈસી વર્તમાન પ્રેસિડન્ટ હસન રુહાનીની જગ્યા લેશે. હસન રૂહાની ૨૦૧૩થી ઈરાનના પ્રેસિડન્ટ પદે કાર્યરત હતા. ઈબ્રાહિમ રઈસીએ પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું તે સાથે જ ઘણાં વિરોધી નેતાઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ઈબ્રાહીમ રઈસી પર અમેરિકાએ પહેલેથી જ પ્રતિબંધ મૂક્યો છે.