ભારતમાં 2021ના પ્રથમ ત્રણ મહિનામાં કુલ 2.5 બિલિયન ડોલરના 22 આઇપીઓ આવ્યા હતા. દેશના કેપિટલ માર્કેટમાં આ ઊંચું મોમેન્ટમ ચાલુ ક્વાર્ટરમાં પણ જળવાઈ રહેવાની ધારણા છે, એમ અગ્રણી કન્સલ્ટન્સી કંપની EY ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું હતું.
બુધવારે જારી થયેલા આઇપીઓ રિપોર્ટમાં જણાવાયું હતું કે 2021ના પ્રથમ ક્વાર્ટરમાં આઇપીઓની સંખ્યાના સંદર્ભમાં સૌથી વધુ સક્રિય ક્ષેત્રોમાં કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ એન્ડ રિટેલ, ડાઇવર્સિફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ, ઓટોમોટિવ અને ટ્રાન્સપોર્ટેશનનો સમાવેશ થાય છે. આ આઇપીઓમાં મેઇન પ્લેટફોર્મ અને એસએમઇ એમ બંને પ્લેટફોર્મમાં આવેલા આઇપીઓનો સમાવેશ થાય છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પ્રથમ ક્વાર્ટરમાં આઇપીઓ માર્કેટના મજબૂત દેખાવ બાદ બીજા ક્વાર્ટરમાં પણ આ ટ્રેન્ડ જળવાઈ રહેવાની ધારણા છે. 2021માં આઇપીઓની સંખ્યાના સંદર્ભમાં ભારતનો ક્રમ વિશ્વમાં નવમો છે.
પ્રથમ ક્વાર્ટરમાં કંપનીઓએ આઇપીઓ મારફત 2,570.44 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. આમાંથી પાંચ આઇપીઓ એસએમઇ સેક્ટરનો સમાવેશ થાય છે. પ્રથમ ક્વાર્ટરમાં ઇન્ડિયન રેલવે ફાઇનાન્સે આઇપીઓ મારફત 634 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. આ આઇપીઓ પ્રથમ ક્વાર્ટરનો સૌથી મોટો હતો.
2021ના પ્રથમ ક્વાર્ટરમાં મેઇન માર્કેટ (બીએસઇ એન્ડ એનએસઇ)માં 17 આઇપીઓ આવ્યા હતા. આની સામે 2020ના પ્રથમ ક્વાર્ટરમાં માત્ર એક આઇપીઓ આવલ્યો હતો. 2020ના ચોથા ક્વાર્ટરમાં 10 આઇપીઓ આવ્યા હતા. આમ 2020ના પ્રથમ ક્વાર્ટરની સરખામણીમાં આઇપીઓની સંખ્યામાં 1,600 ટકા અને ચોથા ક્વાર્ટરની સરખામણીમાં 70 ટકાનો ઉછાળો આવ્યો હતો.
ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં SME સેગમેન્ટમાં પાંચ આઇપીઓ આવ્યા હતા. આની સામે 2020ના પ્રથમ ક્વાર્ટર અને ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં અનુક્રમે 11 અને નવ આઇપીઓ આવ્યા હતા. આમ આ સમયગાળાની સરખામણીમાં એસએમઇ આઇપીઓની સંખ્યામાં અનુક્રમે 55 ટકા અને 44 ટકાનો ઘટાડો થયો હતો.