ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક નવા નિયમોની જાહેરાત કરી છે, જેનો અમલ આગામી ઓક્ટોબર મહિનાથી થવાનો છે ત્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તો એમાંના કેટલાક નિયમો તથા પોતે ખાસ આઈપીએલ માટે સુધારેલા નિયમોનો અમલ હાલમાં શરૂ થઈ ચૂકેલી આઈપીએલની સીઝન 2022થી કરી દીધો છે.
આઈસીસીએ પહેલીવાર બોલર્સની તરફેણ કરતો નિયમ જાહેર કર્યો છે, જેમાં બેટ્સમેન કેચ દ્વારા આઉટ થાય ત્યારે તે સ્ટ્રોક રમે અને પછી કેચ થાય તે વચ્ચેના ગાળામાં દોડી જાય અને છેડો બદલાઈ જાય તો પણ તે છેડો બદલાયાનું માન્ય રહેશે નહીં, નવા આવનારા બેટ્સમેને જ પછીના બોલે બોલરનો સામનો કરવાનો રહેશે. અત્યારસુધી એવું બનતું હતું કે, બેટ્સમેન સ્ટ્રોક રમે અને પછી કેચ થાય તે વચ્ચેના ગાળામાં તે દોડીને છેડો બદલી નાખે તો નવા આવેલા બેટ્સમેનને બોલરનો સામનો કરવાનું બનતું નહીં, પણ એ સ્થિતિ બોલર માટે ગેરલાભ સમાન ગણાતી હતી.
આ ઉપરાંત, નવા નિયમોમાં હવે બન્ને ટીમને અમ્પાયરના નિર્ણય સામે બે-બે રીવ્યુ મળશે, અત્યાર સુધી ફક્ત એક-એક રીવ્યુ મળતા હતા.
કોરોના વાઈરસના ચેપના ફેલાવાનું જોખમ હજી ઉભું હોવાથી તેના સંદર્ભમાં એવો નિયમ કરાયો છે કે, કોરોનાની સ્થિતિના કારણે કોઈ એક ટીમ મેચ રમવા મેદાનમાં ઉતરી શકે તેમ ના હોય તો, એ મેચ પછીના દિવસોમાં રીશીડ્યુલ કરવાનો પ્રયાસ કરાશે, તેવું થઈ શકે તેમ ના હોય તો, એક ટેકનિકલ કમિટીને મામલો રીફર કરાશે અને તેનો નિર્ણય આખરી, સૌને બંધનકર્તા રહેશે.
ટાઈ અને સુપર ઓવરના નિયમોમાં કરાયેલા સુધારા મુજબ હવે ટાઈ પછી સુપર ઓવર શક્ય ના હોય, અથવા તો એક સુપર ઓવર પછી પણ ટાઈ યથાવત રહે અને બીજી સુપર ઓવર શક્ય ના હોય તો એ સંજોગોમાં લીગ સ્ટેજમાં ત્યાં સુધી જે ટીમનો વધુ સારો દેખાવ હશે, લીગમાં ઉપર હશે, તેને વિજેતા જાહેર કરાશે. આ નિયમો જો કે, પ્લે ઓફ તથા ફાઈનલ્સમાં લાગું પડશે.
આ સીઝનમાં બે નવી સાથે કુલ 10 ટીમ સ્પર્ધામાં છે. ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બે નવી ટીમ છે. તેના કારણે લીગ સ્ટેજમાં લગભગ 73 મેચ રમાશે.