ભારતમાં ચાલી રહેલી ચીન વિરોધી ઝુંબેશ અને ઉગ્ર લાગણીઓના કારણે આવતા મહિને યુએઈમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાનો તખતો તૈયાર થઈ ગયો છે ત્યારે સ્પર્ધાના ટાઈટલ સ્પોન્સર, ચાઈનીઝ મોબાઈલ કંપની વિવોએ આ વર્ષ પુરતું સ્પોન્સરશિપમાંથી ખસી જવાનો નિર્ણય લીધાનું વિશ્વનિય સૂત્રોએ જણાવ્યું છે. હજી એક-બે દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટ બોર્ડે એવી જાહેરાત કરી હતી કે, દેશમાં ચીન વિરોધી લાગણીઓ ઉગ્ર હોવા છતાં છેક આ તબક્કે હવે કોઈ સ્પોન્સર્સ બદલાશે નથી. પણ એ નિર્ણય સામે સોશિયલ મીડિયામાં જાગેલા ઉગ્ર વિરોધના પગલે વિવોએ આ નિર્ણય લીધાનું મંગળવારે (4 ઓગસ્ટ) ક્રિકેટ બોર્ડના એક મહત્ત્વના સૂત્રે જણાવ્યું હતું. વિવોએ 2018માં પાંચ વર્ષ માટે ટાઈટલ સ્પોન્સર તરીકેની ડીલ મેળવી હતી. આઈપીએલમાં બીજી ટીમો સહિત કેટલાય સ્પોન્સર્સ ચીની કે ચીન સાથે સંકળાયેલા છે, તેમાં કોઈ ફેરફાર થશે કે કેમ તે પણ જોવાનું રહે છે. કોરોનાવાઈરસના રોગચાળાના પગલે આઈપીએલ યોજવાનો માર્ગ માંડ મોકળો થયો છે ત્યારે આ નવી સમસ્યાઓ પછી શું થાય છે તે પણ જોવું રહે.