ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ગયા સપ્તાહે ઈન્ડિયન પ્રીમિયર લીગ – આઈપીએલની 2023ની સીઝનનો લીગ સ્ટેજ સુધીનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. આ વર્ષે બે વધુ ટીમ સાથે કુલ 10 ટીમ સ્પર્ધામાં છે અને તેમની વચ્ચે લીગ સ્ટેજ સુધીમાં કુલ 70 મેચ 12 જુદા જુદા સ્થળોએ રમાશે. પ્લે ઓફ્સ અને ફાઈનલનો કાર્યક્રમ હજી જાહેર થવાનો બાકી છે. જો કે, ફાઈનલ 28 માર્ચે રમાશે તેવું હાલમાં દર્શાવાયું છે.
લીગ સ્ટેજની શરૂઆત 31મી માર્ચે અમદાવાદથી થશે. પહેલી મેચમાં હાલની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો રહેશે. તો 21 મેના રોજ છેલ્લી લીગ મેચ પણ ગુજરાતની હશે, જેમાં તે બેંગ્લોર સામે બેંગ્લોર ખાતે રમશે. 52 દિવસના આ કાર્યક્રમમાં 18 દિવસોએ બે-બે મેચ અને બાકીના દિવસોએ રોજ એક મેચ રમાશે. એક મેચના દિવસોએ તે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, જ્યારે બે મેચના દિવસોએ પહેલી મેચ બપોરે 3.30 અને બીજી સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
આ વખતે આઈપીએલમાં 10 ટીમ રમવાની છે ત્યારે તેને બે ગ્રુપમાં વહેંચી દેવાઈ છે અને ગ્રુપ “એ” માં મુંબઈ ઈન્ડિયન્સ (મુંબઈ – એમઆઈ), કોલકાતા નાઈટ રાઈડર્સ (કોલકાતા – કેકેઆર), રાજસ્થાન રોયલ્સ (રાજસ્થાન – આરઆર), દિલ્હી કેપિટલ્સ (દિલ્હી – ડીસી), લખનૌ સુપર જાયન્ટ્સ (લખનૌ – એલએસજી) નો તથા ગ્રુપ “બી” માં ગુજરાત ટાઈટન્સ (ગુજરાત – જીટી), ચેન્નાઈ સુપર કિંગ્સ (ચેન્નાઈ – સીએસકે), પંજાબ કિંગ્સ (પંજાબ કિંગ્સ – પીબીકેએસ), સનરાઈઝર્સ હૈદ્રાબાદ (હૈદ્રાબાદ – એસઆરએચ) તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બેંગ્લોર – આરસીબી) નો સમાવેશ થાય છે.