સાઉદી અરેબિયાના જેદ્દાહમાં રવિવાર, 24 નવેમ્બરે યોજાયેલા આઇપીએલના મેગાઓક્શનમાં નવી પેઢીની પ્રતિભા રિષભ પંતે શ્રેયસ અય્યરને પાછળ છોડીને આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. પંત માટે લખનૌ સુપર જાયન્ટ્સે રૂ.27 કરોડની વિજેતા બિડ કરી હતી. શ્રેયસ અય્યરને અગાઉ પંજાબ કિંગ્સે રૂ.26.75 કરોડમાં ખરીદ્યો હતો અને તે સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.
યુઝવેન્દ્ર ચહલ IPLમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો હતો. તેને PBKSએ રૂ.18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ અર્શદીપ સિંહ IPL 2025ની હરાજીમાં વેચાયેલો પ્રથમ ખેલાડી હતો, તેના માટે PBKSએ રૂ.18 કરોડની બિડ કરી હતી. જો કે, કેએલ રાહુલ નિરાશ થયો કારણ કે તેને દિલ્હી કેપિટલ્સે માત્ર 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
તાજેતરમાં ઈજામાંથી પુનરાગમન કરનાર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડાને ગુજરાત ટાઇટન્સે રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો હતો.
ગયા વર્ષે દુબઈમાં યોજાયેલી ઈવેન્ટ બાદ આ બીજી વખત આઈપીએલની હરાજી દેશની બહાર થઈ રહી છે.ઓસ્ટ્રેલિયન અનુભવી સ્ટાર્કને આ વખતે ઘણી ઓછી કિંમત મળી હતી અને તેને દિલ્હી કેપિટલ્સને રૂ. 11.75 કરોડમાં વેચવામાં આવ્યો હતો, જ્યારે ઇંગ્લેન્ડના જોસ બટલર રૂ. 15.75 કરોડમાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો હતો.