ઈન્ડિયન પ્રીમિયર લીગ – આઈપીએલની આ વર્ષે રવિવારે (11 એપ્રિલ) રમાયેલી ત્રીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 10 રને સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી ટૂર્નામેન્ટમાં વિજયી આરંભ કર્યો હતો. કોલકત્તા તરફથી નીતીશ રાણા અને રાહુલ ત્રિપાઠીએ અડધી સદી ફટકારી હતી. ટોસ જીતી હૈદરાબાદે પ્રથમ બેટિંગ માટે કોલકાતાને આમંત્રણ આપ્યું હતું. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 187 રન કર્યા હતા, તો હૈદરાબાદ 20 ઓવરમાં 5 વિકેટે 177 રન જ કરી શકી હતી.
88 રનના ટાર્ગેટ સાથે મેદાને પડેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. માત્ર 10 રનમાં ટીમે પોતાના બન્ને ઓપનર ગુમાવી દીધા હતા. ડેવિડ વોર્નર 3 રન તથા રિદ્ધિમાન સાહા 7 રન કરી રવાના થયા હતા. હૈદરાબાદે શરૂઆતની છ ઓવરમાં 2 વિકેટે 35 રન કર્યા હતા.
મનીષ પાંડે અને જોની બેરસ્ટોએ ત્રીજી વિકેટની 92 રનની ભાગીદારી દ્વારા બાજી સંભાળી હતી. બેરસ્ટોએ 40 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 55 રન કર્યા હતા. મનીષ પાંડેએ 37 બોલમાં અડધી સદી કરી હતી. એ પછી તે 44 બોલમાં 2 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 61 રન સાથે અણનમ રહ્યો હતો.
અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સ વતી શુભમન ગિલ અને નીતીશ રાણાએ આક્રમક બેટિંગ સાથે પાવરપ્લેમાં વિના વિકેટે 50 રન કરી નાખ્યા હતા.પ્રથમ વિકેટ પડતાં ગિલના સ્થાને રાહુલ ત્રિપાઠી આવ્યો હતો. તેણે નીતીશ રાણા સાથે બીજી વિકેટની ભાગીદારીમાં 93 રન કર્યા હતા. બન્નેએ અડધી સદી કરી હતી. રાહુલ 53 રન કરી ટી નટરાજનનો શિકાર બન્યો હતો. તેણે 29 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતા. રાણાએ 56 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 80 રન કર્યા હતા. એ પછી, દિનેશ કાર્તિકે 9 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 22 રન કરી ટીમનો સ્કોર 185થી વધુનો કર્યો હતો. ને પાર કરાવ્યો હતો.
હૈદરાબાદ તરફથી રાશિદ ખાને 4 ઓવરમાં 24 રન અને મોહમ્મદ નબીએ 32 રન આપી બે વિકેટ ઝડપી હતી. ટી નટરાજન અને ભુવીને એક-એક વિકેટ મળી હતી.
ચેન્નાઈ સામે દિલ્હીનો સાત વિકેટે વિજય
શનિવારે (10 એપ્રિલ) મુંબઈમાં રમાયેલી આઈપીએલની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે શિખર ધવનના 85 અને પૃથ્વી શોના 72ની શાનદાર બેટિંગ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવી ટૂર્નામેન્ટનો વિજયી આરંભ કર્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા આ જંગમાં દિલ્હીએ ટોસ જીતી ચેન્નાઈને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતારી હતી, તેમાં ચેન્નાઈએ 20 ઓવરમાં 7 વિકેટે 188 રન કર્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 18.4 ઓવરમાં 3 વિકેટે 190 રન કરી લઈ વિજય ધ્વજ લહેરાવ્યો હતો. પ્રથમ વખત સુકાનીપદ સંભાળી રહેલા રીષભ પંતે ચોગ્ગો મારી ટીમને વિજેતા બનાવી હતી.
189 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સે શરૂઆત જ ધમાકેદાર કરી હતી. ઓપનર્સ શિખર ધવન અને પૃથ્વી શોએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી પાવરપ્લેમાં 65 રન ખડકી દીધા હતા. 11મી ઓવરમાં તો દિલ્હીનો સ્કોર 100નો આંકડો વટાવી ચૂક્યો દીધો હતો. પૃથ્વી શોએ આઈપીએલની 7મી અડધી સદી નોંધાવી હતી. તે 38 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 72 રન કરી વિદાય થયો હતો. શિખર ધવન 85 રન કરી આઉટ થયો હતો. તેણે 54 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા.
ટોસ જીતી પ્રથમ બેટિંગ લેતાં ચેન્નાઈને બીજી જ ઓવરમાં ઝટકો લાગ્યો હતો, ફાફ ડુ પ્લેસિસ શૂન્યમાં વિદાય થયો હતો. ત્રીજી ઓવરમાં બીજો ઓપનર ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ થઈ ગયો હતો.
સુરેશ રૈનાએ 32 બોલમાં અડધી સદી કરી હતી. દિલ્હીને ચોથી સફળતા અંબાતી રાયડૂની વિકેટની મળી હતી. તે 23 રને તથા રૈના 54 રને આઉટ થયો હતો. કેપ્ટન ધોની તો બે બોલ રમી ખાતુ ખોલ્યા વિના જ બોલ્ડ થયો હતો. સેમ કરન 15 બોલમાં 34 છેલ્લા બોલે આઉટ થયો હતો, જ્યારે રવિન્દ્ર જાડેજા 17 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 26 રન કરી અણનમ રહ્યો હતો. દિલ્હી તરફથી આવેશ ખાને 4 ઓવરમાં 23 રન તથા ક્રિસ વોક્સે 18 રનમાં બે-બે વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિન તથા ટોમ કરનને એક-એક વિકેટ મળી હતી.
મુંબઈ સામે બેંગ્લોરનો રોમાંચક વિજય
શુક્રવારે ચેન્નાઈમાં શરૂ થયેલી આઈપીએલ 2021ની પહેલી મેચમાં બેંગ્લોરે મેચના છેલ્લા બોલ સુધી લડત આપી મુંબઈ ઇન્ડિયન્સને બે વિકેટે હરાવ્યું હતું. એ. બી. ડી વિલિયર્સની શાનદાર બેટિંગ તથા કોહલી અને મેક્સવેલની ઝમકદાર રમતના પરિણામે બેંગ્લોરે મિડલ અને લોઅર ઓર્ડરના ધબડકા છતાં આખરે મેચ જીતી લીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ટોસ જીતી મુંબઈને બેટિંગ લેવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાતી અને હરિયાણાથી રમતા હર્ષલ પટેલે કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરી ૨૭ રનમાં પાંચ વિકેટ ખેરવતાં મુંબઈ ૯ વિકેટે ૧૫૯ રન સુધી જ પહોંચી શકી હતી. ઇનિંગની છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલે ચાર વિકેટ ઝડપી હતી.
ક્રિસ લીન અને સૂર્યકુમાર યાદવે બીજી વિકેટની ભાગીદારીમાં ૯૪ રન કર્યા હતા. એ તબક્કે એવું લાગતું હતું કે મુંબઈ ઇન્ડિયન્સ ૨૦૦ રન ખડકી દેશે. એક સમયે તેના ૧૧ ઓવરમાં બે વિકેટે ૯૪ રન હતા. પણ પછી બેંગ્લોરનાની ચુસ્ત બોલિંગ સામે તે બાકીની નવ ઓવરમાં ૬૫ રન જ કરી શક્યું હતું.