ઇન્ડિયન પ્રીમિયર લીગ-2022 માટે અમદાવાદ ટીમે ત્રણ ખેલાડીની ખરીદી કરી છે. અમદાવાદની ટીમની માલિક સીવીસીએ ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યા અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન પ્રત્યેકને રૂ.15 કરોડમાં અને શુભમન ગિલને રૂ.7 કરોડ ખરીદ્યા છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. અમદાવાદની આઇપીએલની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હશે તે નિશ્ચિત માનવામાં આવે છે.
અમદાવાદ ટીમે કોચિંગ સ્ટાફની પસંદગી પણ કરી લીધી છે. ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા હશે. ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે. ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આ પહેલાં હાર્દિક પંડ્યા, મુંબઈ ઈન્ડિયનમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતા હતા.
હાર્દિક પંડ્યા ગુજરાતી હોવાથી ફ્રેન્ચાઈઝીએ તેને પોતાની સાથે જોડ્યો છે અને કેપ્ટન બનાવ્યો છે. IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે રૂ.5625 કરોડમાં ખરીદી હતી. ઈપીએલની 2022ની સિઝનમાં આ વખતે 10 ટીમો ભાગ લેવાની છે. અગાઉની આઠ ટીમ ઉપરાંત અમદાવાદ અને લખનઉની ટીમ ઉમેરાઈ છે.
અમદાવાદની ફેન્ચાઈઝી માટે કેટલાક વિવાદ બાદ આખરે સીવીસી કેપિટલને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ આપી દેવાયો છે. આગામી એપ્રિલથી રમાનાર આઈપીએલ-2022 માટે હવે સીવીસીએ તેના ટીમ ફોરમેશનની તૈયારી કરી દીધી છે.નિયમ પ્રમાણે અન્ય આઠ ટીમોમાંથી હરાજી (ઓકસન) માટે રીલીઝ થયેલા ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડીઓ આ બે નવી ફ્રેન્ચાઈઝી સીધા જ ખરીદી શકે.