(ANI Photo/IPL Twitter)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવાર, 28મેએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 4 વખતની વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મહામુકાબલો થશે. આ સીઝનમાં બંને ટીમોએ નિઃશંકપણે સૌથી વધુ સાતત્યપૂર્ણ દેખાવ કર્યો છે તથા લીગ તબક્કામાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને રહી છે. ક્વોલિફાયર 1માં બંને ટીમો સામસામે ધોનીની ટીમનો વિજય થયો હતો હવે તેઓ ફરીથી ટાઇટલ માટે ટકરાશે.
ચેન્નઈ 10મી વખત ફાઈનલમાં પહોંચ્યું છે જ્યારે ગુજરાતની ટીમ સળંગ બીજી વખત ફાઈનલમાં રમશે. ગુજરાત અને ચેન્નઈ વચ્ચે ભારતીય સમય મુજબ રાત્રે 7.30 કલાકે ફાઈનલનો પ્રારંભ થશે.
આઈપીએલ-2023ની શરૂઆત થઈ ત્યારથી જ અટકળો ચાલી રહી છે કે આ સિઝન ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ

ધોનીની અંતિમ સિઝન હોઈ શકે છે. જો આવું હશે તો ચેન્નઈ પાંચમું ટાઈટલ જીતીને પોતાના ચેમ્પિયન કેપ્ટનને યાદગાર વિદાય આપવા ઈચ્છશે. 2008માં આઈપીએલનો પ્રારંભ થયો ત્યારથી જ ધોની ચેન્નઈનો કેપ્ટન રહ્યો છે. તેની આગેવાનીમાં ચેન્નઈ ચાર વખત ચેમ્પિયન બન્યું છે જ્યાર 10 વખત ફાઈનલમાં પહોંચ્યું છે.

વર્તમાન સિઝનમાં ગુજરાતની સફળતામાં યુવાન ઓપનર શુભમન ગિલનો ફાળો ઘણો મહત્વનો રહ્યો છે. શુભમન ગિલે છેલ્લી ચાર મેચમાં ત્રણ સદી ફટકારી છે. હાલમાં તે ઓરેન્જ કેપ હોલ્ડર છે. ગુજરાત પાસે કેપ્ટન હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા અને રાશિદ ખાન જેવા આક્રમક બેટર છે. ગુજરાતનું બોલિંગ આક્રમણ પણ મજબૂત છે. ટીમ પાસે ઝડપી બોલર મોહમ્મદ શમીનો અનુભવ છે. જ્યારે રાશિદ ખાન જેવો મેચની બાજી પલટી શકે તેવો સ્પિનર પણ છે. જ્યારે મુંબઈ સામે ઘાતક બોલિંગ પ્રદર્શન કરીને મોહિત શર્માએ પણ પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. વર્તમાન આઈપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર્સમાં ટોપ-3માં આ ત્રણ બોલર સામેલ છે. શમીએ 28 વિકેટ ઝડપી છે. જ્યારે રાશિદ ખાને 27 અને મોહિત શર્માએ 24 વિકેટ પોતાના નામે કરી છે.

ચેન્નઈ પાસે પણ આક્રમક બેટર્સની કમી નથી. અજિંક્ય રહાણેએ આ વખતે તોફાની બેટિંગ કરીને તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જ્યારે શિવમ દૂબેએ પણ તોફાની અંદાજમાં બેટિંગ કરી છે. આ ઉપરાંત ડેવન કોનવે ગુજરાત માટે સૌથી મોટી મુશ્કેલી બની શકે છે. તેણે 15 મેચમાં છ અડધી સદી સાથે 625 રન ફટકાર્યા છે. ઋતુરાજ ગાયકવાડે પણ 564 રન ફટકાર્યા છે.

LEAVE A REPLY