ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝનમાં કોરોનાનું જોખમ ઊભી થયું છે. દિલ્હી કેપિટલનો એક વિદેશી ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેનાથી ટીમનો પુણે પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. હવે આજે અને આવતીકાલે ખેલાડીઓના રૂમની અંદર કોવિડ ટેસ્ટ થશે.
અગાઉ ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ મળ્યા બાદ ફરહાર્ટ હાલમાં આઈસોલેશનમાં છે. દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ તેમની પર નજીકથી નજર રાખી રહી છે. તે ટીમ સાથે પ્રવાસ કરી રહ્યા નથી. પેટ્રિક બાદ દિલ્હી ટીમનો એક ખેલાડી પણ રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ તમામ ખેલાડીઓના બે દિવસ સુધી RT-PCR ટેસ્ટ કરવામાં આવશે અને ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે.
બીસીસીઆઈના એક સૂત્રે જણાવ્યું હતું કે, “ડીસી આજે પુણે જવાની હતી, પરંતુ સમગ્ર ટીમના સભ્યોને તેમના સંબંધિત રૂમમાં ક્વોરન્ટીન થવાનું કહેવામાં આવ્યું છે અને પ્રોટોકોલ મુજબ આરટી પીસીઆર કરવામાં આવશે જેથી જાણી શકાય કે ટીમમાં અન્ય કોઈને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં.
ઋષભ પંતની કેપ્ટનશિપની દિલ્હી કેપિટલ્સ ટીમે તેની આગામી મેચ પંજાબ કિંગ્સ સામે રમવાની છે. આ મેચ 20 એપ્રિલે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે દિલ્હીની ટીમ 18 એપ્રિલે જ પુણે જવાની હતી, પરંતુ ટીમને મુંબઈમાં જ તેની હોટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવી છે.