વિશ્વની સૌથી લોકપ્રિય ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભારતીય ઉપખંડ માટેના મીડિયા રાઈટ્સ રૂ.44075 કરોડ (આશરે 5 બિલિયન ડોલરમાં વેચાયા હોવાનું માનવામાં આવે છે. બિલિયોનેર મુકેશ અંબાણીના મીડિયા સાહસે આઇપીએલના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ ખરીદ્યા હોવાનું માનવામાં આવે છે, જ્યારે ભારતીય ઉપખંડ માટેના ટીવી પ્રસારણના હકો જાળવવામાં ડિઝની સ્ટાર સફળ રહ્યું છે. ડિઝની સ્ટારે ટીવી હકો માટે પોતાનો દબદબો બીજા પાંચ વર્ષ માટે જાળવી રાખીને રૂ.23,575 કરોડમાં આ હકો ખરીદ્યા હતા, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. જોકે આ અંગેની હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. મીડિયા રાઇટ્સના ઓક્શનની શરૂઆત 12 જૂને થઈ હતી અને મંગળવાર સુધી ઓક્શન ચાલુ રહ્યું હતું.
ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ માટે વોલ્ડ ડિઝનીથી લઇને સોની ગ્રૂપ મેદાનમાં હતા. મુકેશ અંબાણીની કંપનીને 2.6 બિલિયન ડોલરથી 3 બિલિયન ડોલરમાં આ હકો મળ્યા હોવાનું માનવામાં આવે છે. વાયાકોમ 18એ રૂ.20,500 કરોડમાં ભારતના ડિજિટલ હકો મેળવ્યા હતા. આઈપીએલ મીડિયા રાઈટ્સના મુખ્ય બન્ને પેકેજની હરાજીથી બોર્ડને રૂ.44,075 કરોડની આવક થશે. પેકેજ સી અને પેકેજ ડીની હરાજી હજુ પૂર્ણ નહીં થઈ હોવાથી હરાજી પ્રક્રિયા મંગળવારે પણ યથાવત્ રહેશે.
ઝી, સોની, ડિઝની સ્ટાર, રિલાયન્સ જિયો કન્સોર્ટિયમ સહિતના સાત બિડર્સ વચ્ચે ભારે ખેંચતાણના અંતે ટીવી હકો અને ડિજિટલ હકો માટેની બિડ સફળ રીતે પૂર્ણ થઈ હોવાનું બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. ઈન્ડિયન પ્રીમિયર લીગ હવે વિશ્વમાં બીજી સૌથી ધનાઢ્ય લીગ બની ગઈ છે. એકમાત્ર એનએફએલ લીગની તેનાથી સૌથી વધુ મૂલ્યવાન છે. આઈપીએલના આગામી પાંચ વર્ષના ટીવી અને ડિજિટલ કરારના થયેલા સોદા મુજબ પ્રતિ મેચનું મૂલ્ય રૂ.107.5 કરોડ રહેશે, જે પૈકી ટીવી મેચનું મૂલ્ય રૂ.57.5 કરોડ જ્યારે ડિજિટલ માટેનું મૂલ્ય રૂ.50 કરોડ જેટલું ઊંચું રહેશે. અગાઉ 2018માં આઈપીએલના હકોની થયેલી હરાજીમાં કુલ રૂ.16,347 કરોડ ઉપજ્યા હતા. જેની તુલનાએ 2023થી 2027ના હકોની હરાજીમાં અઢી ગણી વધુ આવક એકત્ર થઈ છે.