ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઇન્ડિયન પ્રીમિમર લીગ (IPL)ની બે નવી ટીમની હરાજીની પ્રક્રિયા શરુ થયા પછી ટીમ ખરીદવા માટે કોણ બોલી લગાવશે અને કેટલી બોલી લગાવશે તે અંગે અટકળો ચાલુ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૌતમ અદાણીના વડપણ હેઠળનું અદાણી ગ્રૂપ ટીમ ખરીદવા માટે મોટી બોલી શકે છે. જોકે અદાણી ગ્રૂપે આ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૌતમ અદાણી અને સંજીવ ગોયંકા ભારતીય ઉદ્યોગમાં સૌથી મોટું નામ છે. તેઓ બોલી લગાવવામાં સૌથી આગળ રહેશે. સંભવિત બોલી લગાવનારા 3,500ની ઓછામાં ઓછી બોલી લગાવે તેવી સંભાવના છે. એ ના ભૂલો કે આઈપીએલ પ્રસારણ અધિકારથી લગભગ 5 બિલિયન ડૉલર (36,000 કરોડ રુપિયા) મળવાનું અનુમાન છે.
આઇપીએલની દરેક ફ્રેન્ચાઈઝી પાસેથી 700 કરોડ રૂપિયાથી 10,000 કરોડ રૂપિયા મળવાની સંભાવના છે. 22 કંપનીઓ છે, જેમણે 10 લાખ રૂપિયાના ટેન્ડર દસ્તાવેજ લીધા છે. નવી ટીમો માટે બેઝ પ્રાઈસ 2000 કરોડ રાખવામાં આવી છે. આવામાં બોલી લગાવવાની રેસમાં પાંચથી છ કંપનીઓ જોડાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
આ હરાજીમાં બોલી લગાવનારી વ્યક્તિ કે કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર 3000 કરોડ રૂપિયા હોવું જોઈએ અને કોન્સોર્ટિયમ મામલે ત્રણે સંસ્થાઓનો વાર્ષિક વેપાર 2,500 કરોડ હોવો જોઈએ. આ રીતે અબજોપતિ સંજીવ ગોયંકાના આરપીએસજી ગ્રુપને પણ એક નવી ફ્રેન્ચાઈઝી માટે બોલી લગાવવામાં આગળ રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આરપીએસજી કોન્સોર્ટિયમ તરીકે બોલી લગાવશે કે વ્યક્તિગત રીતે જોડાશે.